ધોનીએ હજુ IPLને નથી કહ્યું 'અલવિદા', સંન્યાસને લઈને આવ્યા નવા અપડેટ, ચાહકોમાં આશા જાગી
Image Twitter |
IPL 2024: 18 મેના રોજ RCB સામે લીગ રાઉન્ડની લાસ્ટ મેચ દરમિયાન લાસ્ટ ઓવરમાં જ્યારે ધોનીએ તેની વિકેટ ગુમાવી, ત્યારે ચારેબાજુ થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. CSKની હાર બાદ ક્રિકેટ પંડિતોથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક વ્યક્તિ ધોનીની વિદાયને લઈને ચર્ચા કરતાં જોવા મળ્યા હતા. પરંતુ સમાચાર મુજબ ધોની હજુ નિવૃત્તિનો નિર્ણય લેવા માટે થોડા મહિના રાહ જોશે. IPL 2024 શરુ થતાંની સાથે જ ધોનીએ CSKની કમાન યુવા રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી. જે પછી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ સિઝન પછી ધોની અલવિદા કહી દેશે.
સોશિયલ મીડિયા પર માહોલ ગમગીન
ચેન્નઈ પ્લેઓફમાંથી બહાર થઈ જતાં જ સોશિયલ મીડિયા પર ધોનીની છેલ્લી સિઝનને લઈને માહોલ ગમગીન થઈ ગયો હતો. ધોનીએ IPLને વિદાય લીધી હોવાની રીલ્સ ચારેય બાજુ વાયરલ થવા લાગી હતી. એટલું જ નહીં, કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ પણ આ બાબતે પુષ્ટિ કરી હતી, કે ધોની તેની છેલ્લી IPL સિઝન રમી ચૂક્યો છે. પરંતુ સુત્રોના અહેવાલ પ્રમાણે CSK હજુ પણ ધોનીના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યું છે.
ધોની અંતિમ નિર્ણય લેતા પહેલા થોડા મહિના રાહ જોશે
સુત્રોના જણાવ્યા પ્રમાણે, 'ધોનીએ CSKમાં કોઈને નથી કહ્યું, કે તે પદ છોડી રહ્યો છે. તેણે મેનેજમેન્ટને કહ્યું છે, કે અંતિમ નિર્ણય લેતા પહેલા તે થોડા મહિના રાહ જોશે. વિકેટની વચ્ચે દોડવામાં તેને કોઈ અસુવિધા ન હતી અને આ એક પ્લસ પોઈન્ટ છે, અમે ધોનીની રાહ જોઈશું. તે હંમેશા ટીમના હિતને ધ્યાનમાં રાખે છે, ચાલો જોઈએ કે હવે શું થાય છે.