'આજે પણ લોકો મને નફરત કરે છે', ધોનીના ફેન્સ પર ક્રિકેટરનો આરોપ, પોસ્ટ લખીને ડિલીટ કરી દીધી
ICC વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ભારતના નાટકીય પરાજયને હજુ ક્રિકેટ પ્રેમીઓ ભૂલી શક્યા નથી. વરસાદના કારણે રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં સાવ નાના કહી શકાય એવા ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો હતો. ભારતના શરૂઆતના ત્રણેય બેટર્સ 1 રને આઉટ થઈ ગયા હતા. આ મેચ ભારત હારી ગયું હતું અને આ સાથે ટીમની વર્લ્ડકપની સફર સમાપ્ત થઈ ગઈ હતી.
આ ઘટનાને આજે 5 વર્ષ થઈ ગયા. ન્યુઝીલેન્ડના એક ખેલાડીએ આજે ફરી આ ઘટનાને યાદ કરી હતી. આ મેચમાં ભારતીય ક્રિકેટ ફેન્સને છેલ્લે છેલ્લે આશા બંધાઈ હતી જ્યારે રવીન્દ્ર જાડેજા અને ધોની વચ્ચે પાર્ટનરશીપ થઈ હતી. પરંતુ ધોનીની આ છેલ્લી વન-ડે મેચમાં ધોની રન આઉટ થયો હતો અને તેને રન આઉટ કરનાર ફિલ્ડર હતો માર્ટિન ગપ્ટિલ.
માર્ટિન ગપ્ટિલે આજે ફરીથી આ ઘટના સંદર્ભે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. તેણે એ રન આઉટનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, 'મને ખબર પડી ગઈ છે કે આજે શા માટે મને આટલી બધી નફરત મળી રહી છે.' આ સાથે તેણે બે હસતા ઇમોજી પણ શેર કર્યા હતા. જોકે, થોડા સમય બાદ તેણે પોતાની સ્ટોરી પણ હટાવી દીધી હતી.
આ મેચની વાત કરીએ તો 10 જુલાઈ 2019ના રોજ રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોસ ટેલરના 77 રનની મદદથી તેણે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 238 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિવી બોલરોએ ભારતની હાલત શરૂઆતથી જ ખરાબ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ 3 વિકેટ માત્ર 5 રનમાં ગુમાવી દીધી હતી, જ્યારે તેની ચોથી વિકેટ 24ના કુલ સ્કોર પર પડી હતી. ધોની અને જાડેજા આ મેચ ભારત માટે જીતી લાવશે એવું લાગી રહ્યું હતું. ધોનીએ ફર્ગ્યુસનના બોલ પર છગ્ગો મારીને બોલ અને રન વચ્ચેનું માર્જિન ઓછું કરી દીધું હતું. ટીમને 10 બોલમાં 25 રનની જરૂર હતી. ત્યારે ધોનીએ ફરીથી બેટ વીંઝ્યું અને બોલ નો મેન્સ લેન્ડમાં પડ્યો. જાડેજા પણ ધોનીની જેમ સારો દોડવીર હોવાથી ધોનીએ બીજો રન દોડી જવાનો પ્રયાસ કર્યો અને આ તરફ માર્ટિન ગપ્ટિલે ફાઇન લેગ તરફથી આવીને બોલ પકડીને સીધો જ સ્ટંપ તરફ મારી દીધો અને એ બોલ ડાયરેક્ટ હિટ થયો. મેદાનમાં સન્નાટો છવાઈ ગયો. જેની બીક હતી એ જ થયું. લોકોને જેની પાસેથી છેલ્લી આશા હતી એ ધોની પણ આઉટ થઈ ગયો. આ ઘટના આજે પણ ક્રિકેટપ્રેમીઓ જ્યારે યાદ કરે છે ત્યારે ઉદાસી છવાઈ જાય છે. કારણ કે આ ધોનીનો છેલ્લો વન ડે વર્લ્ડકપ જ નહીં, છેલ્લી વન ડે મેચ પણ હતી. ત્યાર પછી ધોનીને ફરીથી ક્યારેય બ્લૂ જર્સી પહેરી નથી. લોકો આજે પણ કલ્પના કરે છે કે, 'કદાચ એ દિવસે માર્ટિનનો થ્રો નિષ્ફળ ગયો હોત..'