IPL 2024 : શું મહેન્દ્ર સિંહ ધોની માટે આ છેલ્લી સિઝન હશે? જાણો માહી ક્યારે દેખાશે મેદાનમાં
ધોનીને IPL 2023ની પ્રથમ મેચ દરમિયાન ઈજા થઇ હતી
CSKને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોનીએ સર્જરી કરાવી હતી
Image:File Photo |
IPL 2024 MS Dhoni Practice : ક્રિકેટ ચાહકો ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને મેદાન પર રમતા જોવા માટે ઉત્સાહિત છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી હતી. પરંતુ તે હજુ પણ IPLમાં રમતો જોવા મળે છે. ધોનીએ તેની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવી છે. હવે ધોની IPLની આગામી સિઝનમાં પણ રમતો જોવા મળશે. તે IPL 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી ધોનીએ તેના ઘૂંટણની સર્જરી કરાવી હતી.
આગામી 10 દિવસમાં શરુ કરશે પ્રેક્ટિસ
ધોની હવે સ્વસ્થ થઇ ચુક્યો છે અને રિહેબ પણ શરુ કરી દીધું છે. તે જીમમાં ખુબ મહેનત કરી રહ્યો છે. પરંતુ તેના ચાહકોના મનમાં એક પ્રશ્ન આવી રહ્યો છે કે તે ક્યારે બેટ હાથમાં લઈને પ્રેક્ટિસ કરતો જોવા મળશે. આ પ્રશ્નનો જવાબ ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથે આપ્યો છે. હાલમાં જ જુનિયર ચેન્નઈ સુપર કિંગ્સ ઇવેન્ટ લોન્ચ થયું હતું. આ દરમિયાન કાશીએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું ધોની આવતા વર્ષે એટલે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નેટ્સમાં પ્રેક્ટિસ શરુ કરશે. કાશીએ કહ્યું, 'તેને અત્યારે સારું લાગે છે. તેણે પોતાનું રિહેબ પણ શરૂ કરી દીધું છે. તેણે જીમમાં પણ પરસેવો વહાવવાનું શરૂ કરી દીધું છે. શક્ય છે કે તે આગામી 10 દિવસમાં નેટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દેશે.'
ધોનીની આ છેલ્લી IPL સિઝન હશે ?
શું 42 વર્ષીય ધોનીની IPLમાં આ છેલ્લી સિઝન હશે? ચાહકો પણ આ સવાલનો જવાબ જાણવા માંગે છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. પણ જ્યારે કાશીને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે સંયમપૂર્વક કહ્યું, 'હું આ વિશે કંઈ જાણતો નથી. આનો સીધો જવાબ ફક્ત ધોની જ આપી શકશે. તેઓ શું કરવા જઈ રહ્યા છે તે વિશે તેઓ અમને કંઈ કહેતા નથી.'