યારો કા યાર! દોસ્તોને ક્યારેય ભૂલતો નથી ધોની, ફોટો વાયરલ થતાં લોકોએ કહ્યું- સાદગી તો જુઓ
MS Dhoni: ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે માત્ર IPLમાં જ રમતો જોવા મળે છે. ધોની તેના પરિવાર સાથે ઝારખંડમાં પોતાના વતન રાંચીમાં રહે છે. અહીં તે પ્રમાણમાં સાદગીભર્યું જીવન જીવે છે. ઘણી વખત તે તે રજાઓમાં ફરવા પણ નીકળે છે તો ક્યારેક બાઇક લઈને સવારી કરવા નીકળી પડે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. જેમાં મહેન્દ્ર સિંહ ધોની તેના મિત્રો સાથે બેઠો છે અને પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર ઝારખંડના રાંચી શહેરની છે.
ધોનીનો બંગલો રાંચીના સિમલિયામાં આવેલો છે. ધોનીના બંગલામાં ઘણા પાલતુ પ્રાણી છે જેમની સાથે ધોની સમય પસાર કરતો જોવા મળે છે. આ સિવાય ધોનીનું રાંચીના સાંબોમાં ફાર્મ હાઉસ છે. જ્યાં ધોની તે ખેતી પણ કરે છે. ધોની જ્યારે પણ રાંચીની મુલાકાતે આવે છે ત્યારે તે પરિવાર સાથે તેના ફાર્મ હાઉસની મુલાકાત લેવાનું ભૂલતો નથી. ધોનીને બાઈક્સનો શોખ છે અને તેના ઘરે બાઇક અને કારનો એક મોટો કાફલો જોવા મળે છે. ધોની પોતાની બાઇકનું સમારકામ વગેરે પોતે જ કરતો હોય છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક ફોટોમાં ધોની ક્રિકેટથી દૂર પોતાના મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ રાંચીના તેના નજીકના મિત્રો છે. તેની સાથે બેઠેલા ધોનીના કોઈપણ મિત્રને ઓળખવા મુશ્કેલ છે. ધોની પોતાના મિત્રોને ક્યારેય ભૂલતો નથી. ધોની પરથી બનેલી ફિલ્મ 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'માં પણ દર્શાવવામાં આવ્યું છે કે ધોનીના જીવન અને કારકિર્દીમાં મિત્રોનો કેટલો મોટો ફાળો રહ્યો છે. ધોની થોડા દિવસો પહેલા રાંચીના રસ્તાઓ પર બાઇક ચલાવતો પણ જોવા મળ્યો હતો. ધોનીના ચાહકો જાણે છે કે તેને બાઇક ચલાવવાનું કેટલું પસંદ છે.
આ પણ વાંચો: ગંભીરની ઑલટાઈમ વર્લ્ડ પ્લેઇંગ 11માં ત્રણ પાકિસ્તાની, એક પણ ભારતીયને સ્થાન કેમ નહીં?
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની નિઃશંકપણે વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક હતો. તેની કપ્તાનીમાં ભારતે 3 ICC ટ્રોફી જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. 2011ના વર્લ્ડ કપમાં ફાઇનલમાં ધોનીએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ક્રિકેટ પ્રેમીઓ માટે એ જીવનની સૌથી યાદગાર ક્ષણ પૈકીની એક હતી. ધોનીની કેપ્ટન્સીમાં ભારત ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીત્યું હતું. એ સમયે ત્રણેય ICC ટુર્નામેન્ટ જીતનાર તે એકમાત્ર કેપ્ટન રહ્યો હતો.