IPL 2025: ધોનીએ જવાબ ન આપતા CSK પણ અટવાઈ! કયા ખેલાડીઓ થશે રિટેન?
IPL 2025, MS Dhoni : IPL 2025 માટે આ મહિનાના અંત સુધીમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની રિટેન રાખવાની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓએ આ યાદી તૈયાર કરી લીધી છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)એ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ તેના સુપરસ્ટાર એમએસ ધોની તરફથી પુષ્ટિની રાહ જોઈ રહી છે કે તે આગામી સીઝનમાં રમશે કે નહીં.
ધોનીએ હજુ સુધી પુષ્ટિ કરી નથી
જો એમએસ ધોની IPL 2025માં રમવાનું નક્કી કરે છે, તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન રાખશે. IPL 2025 માટે રિટેન ખેલાડીઓની યાદી સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. શું એમએસ ધોનીને રિટેન રાખવામાં આવશે? આ હજુ નક્કી નથી. એક અહેવાલ અનુસાર, CSKના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે, 'અમે તેને રિટેન કરવા માંગીએ છીએ પરંતુ આ અંગે અમારી પાસે હજુ સુધી તેના તરફથી કોઈ પુષ્ટિ થઇ નથી.'
અનકેપ્ડ ખેલાડીનો નવો નિયમ
જો કે આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને રિટેન કરવા માટે સત્તાવાર રીતે પહેલા જેટલા પૈસા ખર્ચવા પડશે નહીં? કારણ કે હવે અનકેપ્ડ ખેલાડીઓને લઈને નવો નિયમ આવી ગયો છે. આ નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી 5 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયો હોય તો તેને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવશે. એમએસ ધોનીએ વર્લ્ડકપ 2019માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. આ પછી તેણે ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. ધોની સિવાય CSK ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, રચિન રવિન્દ્ર, મથીષા પથિરાનાને રિટેન કરી શકે છે.
શરૂઆતથી CSKનો હિસ્સો છે ધોની
એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત IPLમાં ચેમ્પિયન બનાવ્યું છે. તે આઈપીએલની શરૂઆતથી CSKનો હિસ્સો છે. તે બે વર્ષ 2016 અને 2017 માટે IPLમાં રાઇઝિંગ સુપરજાયન્ટ્સ તરફથી પણ રમ્યો હતો. આ તે સમય હતો જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પર સ્પોટ ફિક્સિંગ માટે બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.