ધોની એવો ગુસ્સે થઈ ગયેલો કે કહ્યું- 'આને ઘરે પાછો મોકલી દો', સાથી ખેલાડીનો દાવો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
ms dhoni ravichandran ashwin


ધોની ભારતીય ક્રિકેટ જગતમાં એક શાંત સૌમ્ય કેપ્ટન તરીકેની ઇમેજ ધરાવે છે. પરંતુ કેટલાક પૂર્વ ક્રિકેટર્સ ઘણી બધી વખત સ્વીકારી ચૂક્યા છે કે ધોની ઘણી વખત ગુસ્સે થયો છે અને ખેલાડીઓની ઝાટકણી પણ કાઢી છે. આવી જ એક ઘટનામાં એક વખત દક્ષિણ આફ્રિકામાં એક આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન તેણે ફાસ્ટ બોલર શ્રીસંત પર ગુસ્સો કર્યો હતો અને તત્કાલિન ટીમ મેનેજર રંજીબ બિસ્વાલને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરને ઘરે મોકલી દેવાનું કહી દીધું હતું.

અશ્વિનનો દાવો

ભારતના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને તેની આત્મકથા 'આઈ હેવ ધ સ્ટ્રીટ્સ- અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી'માં આ ઘટનાની વિગતવાર માહિતી આપી છે .

આ પુસ્તકમાં દાવો કરાયો છે કે અશ્વિનને 2010માં પોર્ટ એલિઝાબેથમાં યોજાયેલી મેચની વચ્ચે શું શું થયું હતું તે બધુ જ હજુ સ્પષ્ટપણે યાદ છે કારણ કે તે ડ્રેસિંગ રૂમમાં ધોનીના સંદેશાઓ પહોંચાડતો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર બીજો ભારતીય બોલર, અશ્વિન આ ઘટનાને યાદ કરતા કહે છે છે કે કેવી રીતે તે મેચ દરમિયાન વોટર ડ્યુટી પર હતો અને ધોનીએ તેને અચાનક જ તેને શ્રીસંતના ઠેકાણા વિશે પૂછ્યું હતું. શ્રીસંત એ વખતે રિઝર્વ ખેલાડી તરીકે આ શ્રેણીમાં હતો.

અશ્વિને લખ્યું છે કે તે બે ત્રણ વખત ધોની માટે પાણી લઈ ગયો હતો. એ દરમિયાન ડ્રિંક્સ બ્રેકમાં ધોનીએ એમ જ પૂછી લીધું કે શ્રીસંત ક્યાં છે?

"પ્રશ્ન પૂછવાની આ કદાચ તેની સામાન્ય રીત છે. પણ આ ધોનીની રીત છે. તે શા માટે પૂછે છે તે તમે સમજી શકતા નથી. મને ખબર નહોતી કે તેને જવાબમાં શું કહેવું. કારણ કે મને ખબર નહોતી કે મારા કંઇ કહેવાના કારણે શું થશે. પણ MS ત્યાં અટકતો નથી અને પૂછયા કરે છે. 

'મેં તેને કહ્યું કે શ્રી ડ્રેસિંગ રૂમમાં ઉપર છે. તેણે મને શ્રીને કહેવા માટે કહ્યું કે તેણે પણ નીચે આવીને અન્ય રિઝર્વ ખેલાડીઓ સાથે બેસવું પડશે. ડ્રિંક્સ બ્રેકમાંથી પાછા ફરતી વખતે, હું વિચારી રહ્યો હતો કે કેવી રીતે, આંતરરાષ્ટ્રીય મેચમાં વિકેટ કીપિંગ કરતી વખતે, ધોનીએ જોઈ લીધું કે શ્રી નીચે નથી. હું પાછો ગયો અને મુરલી વિજયને કહ્યું કે 'ધોનીએ શ્રીને નીચે આવવા કહ્યું છે."

વિજયે જવાબમાં અશ્વિનને કહ્યું કે એ સંદેશ તુ જ આપી આવ. હું કહેવા નથી જવાનો. 

અશ્વિને આગળ લખ્યું છે કે “……હું ચેન્જિંગ રૂમમાં ગયો અને તેને કહ્યું, 'શ્રી! MS ઈચ્છે છે કે તુ નીચે આવ.' 'કેમ? તું પાણી લઈને નથી જઈ શકતો?' શ્રીસંતે જવાબ આપ્યો.

“મેં તેને કહ્યું કે મેં કશું કહ્યું નથી. ધોનીએ કહ્યું છે કે તુ નીચે આવ. તેણે કહ્યું કે રિઝર્વ ખેલાડીઓએ પણ એકસાથે જ રહેવું જોઈએ. ત્યારે શ્રીસંતે કહ્યું, 'ઠીક છે, તુ જા. હું આવીશ.'"

પાછળથી, અશ્વિન હેલ્મેટ લઈને મેદાનમાં ગયો પરંતુ શ્રીસંત હજુ પણ ડ્રેસિંગ રૂમમાં હતો, જેના કારણે ધોની ખૂબ જ ગુસ્સે થયો હતો. અશ્વિને પુસ્તકમાં લખ્યું છે કે તેણે ધોનીને આટલો ગુસ્સે કદી નહોતો જોયો.

 'શ્રી ક્યાં છે? તે શુ કરી રહ્યો છે?' ધોનીએ કડકાઈથી પૂછ્યું.

'તે મસાજ કરાવી  રહ્યો છે.' અશ્વિને જવાબ આપ્યો. ધોનીએ ત્યારે તો કશું ન કહ્યું. પણ ત્યાર પછીની ઓવરમાં ધોનીએ કહ્યું, 'એક કામ કર. રંજીબ સાહેબ પાસે જા. તેમને કહી દે કે શ્રીને અહીં રહેવામાં રસ નથી. તેને આવતીકાલ માટે તેની ટિકિટ બુક કરાવવા માટે કહો જેથી તે ભારત પાછો જઈ શકે,” અશ્વિને કહ્યું.

આ સાંભળીને અશ્વિન તો એકદમ ચોંકી જ ગયો હતો. ત્યાર પછી જો કે શ્રીસંત પોતે પણ ધોનીનો ગુસ્સો સમજીને વોટર ડ્યુટી પર આવી ગયો હતો અને ધોની અને શ્રીસંત વચ્ચેનો આ મામલો અહીં સંકેલાઈ ગયો હતો. પરંતુ ધોની આટલો ગુસ્સે થઈ શકે છે એવું અશ્વિને પહેલી વખત જોયું. 



Google NewsGoogle News