ધોની પાસે કોઈ જાદુની છડી નથી, નહીંતર...: ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચનું મોટું નિવેદન
CSK Coach Stephen Fleming On MS Dhoni: ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની પાસે કોઈ જાદુની છડી નથી જેનાથી તે અચાનક ટીમનું ભાગ્ય બદલી શકે. તમને જણાવી દઈએ કે વર્તમાન IPLમાં CSKનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. અને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થયા બાદ ફરીથી કેપ્ટનશીપ સંભાળનાર ધોની પર હવે ટીમને જીતના પાટા પર લાવવાની જવાબદારી છે.
ધોની પાસે કોઈ જાદુની છડી નથી
ટૂર્નામેન્ટમાં સતત પાંચ હારનો સામનો કરનારી ચેન્નઈ સુપર કિંગ્સને પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે ફેરફારની સખત જરૂર છે. CSKની આગામી મેચ LSG સાથે છે. આ મેચ પહેલા CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, 'ધોનીનો પ્રભાવ હંમેશા મહત્ત્તવપૂર્ણ રહેશે, પરંતુ તે કોઈ જ્યોતિષ નથી, તેની પાછે કોઈ જાદુની છડી નથી. જો તેના પાસે જાદુઈ છડી હોત તો તે પહેલા જ તેનો ઉપયોગ કરી ચૂક્યો હોત. અમારે એમએસ સાથે મળીને સખત મહેનત કરવી પડશે. પોતાના કરિયરમાં અમે બંનેએ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, જ્યાં ખૂબ ઊર્જા લગાવવી પડે છે અને અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તે ઊર્જા યોગ્ય દિશામાં લાગે.'
CSKની બેટિંગ સૌથી મોટી ચિંતાનો વિષય
આ સિઝનમાં CSKની બેટિંગ સૌથી મોટી ચિંતાનો વિષય રહી છે. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સામે ચેન્નઈ માત્ર 103 રનનો જ સ્કોર બનાવી શક્યું હતું. અને KKRએ આ ટાર્ગેટ 10.1 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો અને આઠ વિકેટથી કારમી હાર આપી હતી. ચેપોક પીચ પર ચેન્નઈનું આ સૌથી ખરાબ બેટિંગ પ્રદર્શન હતું. ફ્લેમિંગે સ્વીકાર્યું કે આ હારથી ટીમને ખૂબ દુઃખ થયું છે. તેણે કહ્યું કે, અમારે નાના-નાના પગલાઓથી શરૂઆત કરવી પડશે. અને ત્રણેય વિભાગોમાં સુધારો કરીને, ધીમે-ધીમે સ્પર્ધામાં પાછા આવવું પડશે. ખાસ કરીને છેલ્લી મેચમાં અમે કોઈ સ્પર્ધા ન બતાવી, આ જ વાત સૌથી વધુ દુઃખદાયક હતી. ટીમમાં આત્મનિરીક્ષણ થયું છે. અને હવે અમારે શું કરવું જોઈએ તેના પર કામ ચાલી રહ્યું છે. જરૂરી છે કે અમે એવું પ્રદર્શન કરીએ જે આ ગૌરવશાળી ફ્રેન્ચાઈઝીની ઓળખ છે.
આ પણ વાંચો: IPLની ચાલુ મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ તપાસવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ
લખનઉ સામેની મેચ પહેલા ફ્લેમિંગે નિકોલસ પૂરનને મોટો ખતરો ગણાવ્યો. તેણે કહ્યું કે, નિકોલસ પૂરન ખૂબ જ શાનદાર ખેલાડી છે. અને તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. લખનઉ સામેની મેચ જીતવા માટે તેને આઉટ કરવો અને નિયંત્રણમાં રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
CSK જ્યાં છ મેચમાંથી માત્ર એક જ મેચ જીતીને માત્ર બે પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. તો બીજી તરફ LSG સતત ત્રણ મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.