'હું બસ ક્રિકેટ...' કેપ્ટન કૂલ હજુ કેટલાં વર્ષો રમશે, તે અંગે પાડ્યો ફોડ, ફેન્સ માટે ગુડ ન્યૂઝ!
MS Dhoni Big Statement on His IPL Career: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી વિકેટકીપર બેટર મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો સંકેત આપ્યો છે. ધોનીએ કહ્યું છે કે, 'હું માત્ર આગામી આઈપીએલ સીઝન (2025)માં જ ભાગ નહીં લઉં, પરંતુ ઘણા વર્ષો સુધી રમવાનું ચાલુ રાખીશ.' આ પછી માહીના ભવિષ્ય વિશે ઉડતી અફવાઓનો અંત આવ્યો છે. તે પોતાને ફિટ રાખવા માટે સતત મહેનત કરી રહ્યો છે.
'હું આ રમતનો આનંદ માણવા માંગુ છું': ધોની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીએ તાજેતરમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં કહ્યું હતું કે, 'હું માત્ર મારા છેલ્લા કેટલાક વર્ષોના ક્રિકેટનો આનંદ લેવા માંગુ છું. જ્યારે તમે ક્રિકેટને એક વ્યાવસાયિક રમત તરીકે રમો છો, ત્યારે તેને રમત તરીકે માણવું મુશ્કેલ બની જાય છે. જે સરળ નથી હું તે જ કરવા માંગું છું. તમે પ્રતિબંધિત છો એટલે રમત દરમિયાન ભાવનાઓ અનુભવાતી રહે છે. આથી હું આગામી કેટલાક વર્ષો માટે આ રમતનો આનંદ માણવા માંગુ છું'
આ પણ વાંચો: IND vs NZ : ગુજ્જુ બોલર સામે કિવી ઘૂંટણીએ, ભારત પાસે 2008ના ઇતિહાસના પુનરાવર્તનની તક
ધોની IPL વિષે પણ પોતાનું પ્લાનિંગ જણાવ્યું
માહીએ તેના IPL ભવિષ્ય વિશે પણ વાત કરી હતી. ધોનીએ કહ્યું, 'મારે 9 મહિના સુધી પોતાને ફિટ રાખવાનો છે.જેથી હું અઢી મહિના સુધી IPLમાં રમી શકું. તમારે પહેલાથી આયોજન કરવું પડે છે. જો કે, આરામ પણ જરૂરી છે.'
ધોનીની આઈપીએલ કારકિર્દી
IPLમાં સફળ કેપ્ટનોની યાદીમાં ધોનીનું નામ સામેલ છે. અત્યાર સુધીમાં ધોની 264 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 229 ઇનિંગ્સમાં 39.13ની એવરેજથી 5243 રન બનાવ્યા છે. IPLમાં તેના નામે 24 ફિફ્ટી છે.