ધોની IPLમાંથી નિવૃત્ત થવા શેની રાહ જોઈ રહ્યો છે? જુઓ દિગ્ગજ ક્રિકેટરે કેવી મોટી વાત કહી દીધી
Image: Twitter
MS Dhoni On His IPL Retirement: એક તરફ જ્યાં IPL 2025 પહેલાં મેગા ઑક્શન મુદ્દે તમામ 10 IPL ટીમો ધમપછાડા કરી રહી છે, તો બીજી તરફ આ ટુર્નામેન્ટમાં પોતાના સંન્યાસના સવાલ પર ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ મોટી વાત કહી દીધી છે. ધોનીને હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સવાલ કરવામાં આવ્યો કે શું 2025માં તમે રમશો? આ સવાલનો જવાબ આપતા માહીએ સ્પષ્ટ કહી દીધું કે, આ બધું મારા હાથમાં નથી. તેણે કહ્યું કે IPL 2025ના રિટેન્શન નિયમને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ નિર્ણય મારા હાથમાં નથી.
ધોનીએ મોટી વાત કરી દીધી
ધોનીએ કહ્યું કે, "આપણે પ્લેયર રિટેન્શનના નિર્ણયની રાહ જોવી પડશે. હાલમાં આ નિર્ણય લેવો મારા હાથમાં નથી. એક વખત નિયમ અને કાયદો બની જાય પછી હું નિર્ણય લઈશ. આ નિર્ણય ટીમના હિતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે. એમ.એસ ધોની હવે 43 વર્ષનો થઈ ગયો છે અને ગત સિઝનમાં તેણે કમાલનું પ્રદર્શન કર્યું છે. જોકે તેની ફિટનેસ હવે પહેલાં જેવી નથી રહી પરંતુ આ ખેલાડીએ આખી સિઝનમાં વિકેટ કીપિંગ કરી છે. આવી સ્થિતિમાં એવું ન કહી શકાય કે હવે ધોનીમાં દમ નથી રહ્યો."
એવો અહેવાલ આવ્યો હતો કે જો BCCI માત્ર ચાર જ ખેલાડીઓને રિટેઇન કરવાનો નિયમ બનાવે છે તો ધોનીનું આગામી સિઝનમાં રમવું મુશ્કેલ થઈ જશે. અહેવાલ પ્રમાણે જો BCCI આગામી સિઝન પહેલાં પાંચથી છ ખેલાડીઓને રિટેઇન કરવાનો નિયમ બનાવશે તો જ ચેન્નઈની ટીમ ધોનીને રિટેઇન કરશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો ચાર ખેલાડીઓને રિટેઇન કરવા પડશે તો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના અને શિવમ દુબેને રિટેઇન કરવામાં આવી શકે છે હવે તમામની નજર IPL ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણય પર છે.