VIDEO: કોણે કહ્યું ઘૂંટણમાં તકલીફ છે? ક્રિકેટમાં જ નહીં, બીજી રમતોમાં કેવા કૂદકા મારે છે જુઓ
MS Dhoni Video: મહેન્દ્ર સિંહ ધોનીના (MS DHONI) ભારતમાં કરોડો ફેન્સ છે. આ ક્રિકેટ ફેન્સ ધોનીને ક્રિકેટના મેદાનમાં સતત જોવા માટે ઉત્સુક હોય છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તો નિવૃતિ જાહેર કરી દીધી છે પરંતુ IPLમાં તે હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જો કે છેલ્લી સિઝનમાં ધોનીની ફિટનેસના કારણે ક્રિકેટ ચાહકો ચિંતિત હતા. ધોનીએ બેટિંગમાં પાછળના ક્રમે આવીને શાનદાર દેખાવ કર્યો હતો પરંતુ તેને IPL 2024 દરમિયાન ઘૂંટણની ઇજા સતત પરેશાન કરી રહી હતી. આ ક્રિકેટ મેચ દરમિયાન પણ જોઈ શકાતું હતું. ધોની મેચ પછી કેટલીક વખત લંગડાતો અને ટેકો લઈને ચાલતો દેખાયો હતો. જેના કારણે તેના આગામી સિઝન રમવા અંગે પ્રશ્નો ઊભા થયા હતા.
ધોનીનો એક તાજેટરનો વીડિયો તેની ફિટનેસની સાબિતી આપે છે. આ વીડિયો જોઈને ધોનીના ચાહકોને રાહત થશે. કારણ કે આ વીડિયોમાં ધોની બેડમિન્ટન રમતો દેખાય છે. ડબલ્સ મેચમાં રમી રહેલા ક્રિકેટર ધોનીએ એક જોરદાર સ્મેશથી શટલને વિરોધી મેદાનમાં મોકલી આપ્યું હતું. વીડિયોમાં જે રીતે ધોની સ્મેશ કરવા માટે કૂદે છે તે જોઈને લાગે છે કે ધોનીની ઘૂંટણની સમસ્યાણો અંત આવી ગયો હશે. જેના કારણે ક્રિકેટ ચાહકોને આશા જાગી છે કે હવે ધોની IPL 2025 માં પણ રમતો જોવા મળશે.
ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી નહીં રમે ધોની?
ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને આગામી સિઝન માટે રિટેન કરવા ઈચ્છે છે. બીસીસીઆઈ દ્વારા IPLમાં અગાઉ એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જે ખેલાડીએ પાંચ વર્ષ કરતા વધારે સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હોય તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ઓક્શનમાં સામેલ કરવામાં આવતો હતો. આ નિયમ આઇપીએલ ની શરૂઆતથી લઈને વર્ષ 2021 સુધી લાગુ હતો. ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: IPL 2025માં ધોનીનું સ્થાન લેશે રિષભ પંત? સોશિયલ મીડિયા પર એવું લખ્યું કે લોકોએ કન્ફર્મ માની લીધું!
તાજેતરમાં એક અહેવાલ અનુસાર, 31 જુલાઈના રોજ BCCIએ આઇપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે બેઠક યોજી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ નિયમને ફરી લાગુ કરવાની વિનંતી કરી હતી. રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સની આ વિનંતીને લઈને અન્ય ફ્રેન્ચાઇઝી તરફથી બહુ સમર્થન મળ્યું નથી, પરંતુ બીસીસીઆઈ આ નિયમને પાછો લાવવાના પક્ષમાં છે. જો નિયમ ફરીથી લાગુ થશે તો ચેન્નાઈ સુપર કિંગ્સ અનકેપ્ડ ખેલાડી તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની ટીમમાં જાળવી શકે છે.