આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં આ રહ્યા અત્યારસુધીના સૌથી મોંઘા ખેલાડીઓ
IPL Expensive Player In Auction: આઈપીએલ 18ની સિઝન 2025માં શરૂ થવાની છે. જેમાં ચાહકો કયો ખેલાડી કઈ ટીમમાં રમશે તે જાણવા આતુર બન્યા છે. આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં બે ખેલાડીઓ એવા છે કે, જેમની બે વખત હરાજીમાં મોટી કિંમત આંકવામાં આવી હતી. જેમાં યુવરાજ સિંહ અને બેન સ્ટોક્સ સામેલ છે.
2008માં ધોની હતો સૌથી મોંઘો ખેલાડી
દેશમાં પ્રથમ યોજાયેલી 2008ની આઈપીએલમાં એમએસ ધોની માટે ચેન્નઈ સુપર કિંગ્સે સૌથી વધુ 1.5 મિલિયન ડોલરની બોલી લગાવી હતી. જ્યારે 2009માં ચેન્નઈ સુપર કિંગ્સે એન્ડ્ર્યુ ફિલંટોપને અને આરસીબીએ કેવિન પીટરસનને 1.55-1.55 મિલિયન યુએસ ડોલરમાં ખરીદ્યા હતા.
ગંભીરનો પણ હતો દબદબો
2010ની આઈપીએલ હરાજીમાં સૌથી વધુ રકમ શેન બોન્ડ (કેકેઆર) અને કિરોન પોલાર્ડ (મુંબઈ ઈન્ડિયન્સને મળી હતી. તેમને 7.5 લાખ ડોલરમાં ખરીદવામાં આવ્યા હતા. 2011માં ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સે 2.4 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. તે આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો.
આ પણ વાંચોઃ બિટકોઈન 1 લાખ નજીક! એક માસમાં 40 ટકા ઉછળી ફરી નવી ઐતિહાસિક ટોચે
જાડેજા, મેક્સવેલ અને યુવરાજ બન્યા કિંગ
2012માં આઈપીએલ હરાજીમાં રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સે 20 લાખ ડોલરમાં, 2013માં મુંબઈ ઈન્ડિયન્સે ગ્લેન મેક્સવેલને 10 લાખ યુએસ ડોલરમાં ખરીદ્યો હતો. 2014માં યુવરાજ સિંહ માટે આરસીબીએ 14 કરોડની બોલી લગાવી હતી. 2015માં યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો. 2016માં શેન વોટ્સનને આરસીબીએ 9.5 કરોડમાં, 2017માં બેન સ્ટોક્સને રાઈઝિંગ સુપર જાયન્ટ્સે સાડા ચૌદ કરોડમાં ખરીદ્યો હતો.
બેન સ્ટોક્સ માટે મોટી કિંમત આંકી
2018માં રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સ માટે રૂ. 12.5 કરોડની બોલી લગાવી હતી. 2019માં રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને રૂ. 8.4 કરોડમાં ખરીદ્યો હતો. 2020માં પેટ કમિંસને (KKR) રૂ. 15.5 કરોડમાં, 2021માં ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે સવા સોળ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2022માં ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે સવા પંદર કરોડમાં ખરીદ્યો હતો.
મિશેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી
આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી મિશેલ સ્ટાર્ક રહ્યો છે. જેને 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. 24.75 કરોડમાં ખરીદ્યો હતો. 2023માં સેમ કરનને પંજાબ કિંગ્સે રૂ. 18.25 કરોડમાં ખરીદ્યો હતો.