જાડેજાએ KKR સામે ખાસ ‘સદી’ પૂરી કરી, આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો
Image:IANS |
Ravindra Jadeja : IPL 2024ની 22મી મેચમાં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ટક્કર થઇ હતી. આ મેચમાં ટોસ જીતીને CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં માત્ર 137 રન જ બનાવી શકી હતી. CSKના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની બોલિંગે KKRને 137ના સ્કોર પર રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જાડેજાએ ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કરી એક મોટી સિદ્ધિ મેળવી હતી.
જાડેજાએ IPLમાં 100 કેચ પૂરા કર્યા
IPLના ઈતિહાસમાં રવિન્દ્ર જાડેજા 100 કેચ પૂરા કરનાર પાંચમો ખેલાડી બન્યો હતો. જાડેજાએ KKR સામેની મેચમાં 3 કેચ લઈને આ રેકોર્ડ બનાવ્યો છે. જાડેજાએ કોલકાતા નાઈટ રાઈડર્સના ફિલિપ સોલ્ટ, શ્રેયસ અય્યર અને મિચેલ સ્ટાર્કનો કેચ પકડ્યો હતો.
100 કેચ પકડનાર ચોથો ભારતીય
IPLના ઈતિહાસમાં રવિન્દ્ર જાડેજા પહેલા માત્ર 4 ખેલાડી 100 કે તેથી વધુ કેચ લઈ શક્યા છે. જાડેજાએ 231 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. જાડેજા IPLમાં 100 કેચ પકડનાર ચોથો ભારતીય અને વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે. તેના પહેલા વિરાટ કોહલી (110), સુરેશ રૈના (109), કીરોન પોલાર્ડ (103) અને રોહિત શર્મા (100) આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. KKR સામેની મેચ દરમિયાન કોમેન્ટેટર હર્ષા ભોગલેએ જાડેજાને આ રેકોર્ડ વિશે પૂછ્યું, જવાબમાં જાડેજાએ કહ્યું કે તે તેના કેચની સંખ્યા ગણતો નથી. જણાવી દઈએ કે IPLની એક મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે રવિન્દ્ર જાડેજા સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.