Get The App

Indian Cricket: ભારતીય ક્રિકેટ ટીમને મળ્યા નવા બોલિંગ કોચ, ગંભીરે પોતાના મિત્રની કરાવી નિમણૂક

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
Morne Morkel


Morne Morkel: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂક થયા બાદ બોલિંગ કોચ અને મેન્ટર તરીકે ગંભીરની પસંદગીના માણસો ટીમ સાથે જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી હતી. આ માટે કેટલાક ક્રિકેટર્સના નામ પણ ચર્ચાઈ રહ્યા હતા. હવે બોલિંગ કોચના નામનો ખુલાસો થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બોલર મોર્ને મોર્કલ ભારતીય ટીમ સાથે 1 સપ્ટેમ્બરથી બોલિંગ કોચ તરીકે જોડાય તેવી શક્યતા છે. આ સિવાય ગંભીરની કોચિંગ ટીમમાં અભિષેક નાયર અને રયાન ડોસ્કાટી જેવા લોકો પણ છે.

ભારતીય ક્રિકેટ ટીમને આગામી સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જેવી મેજર ICC ટુર્નામેન્ટ જીતવા માટે આ એક્સપર્ટસના સલાહ સૂચનો મળશે.

ગંભીરે પોતાના માણસોની ટીમ બનાવી?

હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂક બાદ તેના સપોર્ટ સ્ટાફમાં કોણ હશે તેની પણ ચર્ચા થઈ રહી હતી. ગંભીરે કોચ પદ સંભાળતાં પહેલાં બોલિંગ કોચ અને મેન્ટરની પસંદગી માટે નામ સૂચવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. ગૌતમ ગંભીર પોતાના સ્ટાફમાં અભિષેક નાયર, રયાન ડોસ્કાટી અને મોર્ને મોર્કેલને રાખવામાં આવે એવું ઇચ્છતા હતા અને એ ઇચ્છા પૂરી થઈ છે. ગૌતમ ગંભીરને બોલિંગ કોચ તરીકે મોર્કેલ ઉપરાંત આસિસ્ટન્ટ કોચ તરીકે રયાન ટેન ડોસ્કાટી અને બેટિંગ કોચ તરીકે અભિષેક નાયરનો સપોર્ટ મળી રહ્યો છે. મોર્ને મોર્કેલ લખનૌ સુપર જાયન્ટ્સમાં ગંભીર સાથે કોચિંગ કરી ચૂક્યો છે. અગાઉ IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં પણ તેઓ સાથે હતા. તો રયાન ડોસ્કાટી પણ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. આમ સ્પષ્ટ છે કે ગંભીરે હેડકોચ બન્યા બાદ પોતાની પસંદગીના માણસોને આસપાસ રાખ્યા છે. 

ભારતીય ક્રિકેટ ટીમ આ લોકોના સલાહ સૂચનો મેળવીને આગામી દિવસોમાં વધારે સારો દેખાવ કરીને WTC જેવી મેજર ટુર્નામેન્ટ જીતવા પ્રયાસ કરશે.


Google NewsGoogle News