IND vs SA : મોહમ્મદ સિરાજે બીજી ટેસ્ટમાં મચાવી તબાહી, સાઉથ આફ્રિકા સૌથી શરમજનક સ્કોર પર થઇ ઓલઆઉટ
સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય કર્યો હતો
આફ્રિકન ટીમ તરફથી વેરીને 15 રન અને બેડિંગહામે 12 રન બનાવ્યા હતા
Image:Twitter |
IND vs SA 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં 6 વિકેટ ઝડપી ઈતિહાસ રચી દીધો છે. સિરાજે 9 ઓવરમાં 15 રન આપીને સાઉથ આફ્રિકાના 6 બેટ્સમેનોને પવેલિયન પરત કર્યા હતા.
સાઉથ આફ્રિકા 55 રનના સ્કોરે સમેટાઈ
કેપ ટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય કર્યો હતો. પરંતુ મિયાં ભાઈના નામે જાણીતા ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એલ્ગરના આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. સિરાજની ઘાતક બોલિંગના કારણે સાઉથ આફ્રિકાની ટીમ 55 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
બે બેટ્સમેનો સિવાય કોઈ ન પહોંચી શક્યું ડબલ ફિગર સુધી
મોહમ્મદ સિરાજે એડન માર્કરમ, ડીન એલ્ગર, ટોની ડી જ્યોર્જી, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીન અને માર્કો યાનસીનને શિકાર બનાવ્યા હતા. આ મેચમાં મોહમ્મદ સિરાજની બોલિંગ એટલી ઘાતક હતી કે આફ્રિકન ટીમ તરફથી વેરીને 15 રન અને બેડિંગહામે 12 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો સૌથી નાનો સ્કોર
ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ સામે સાઉથ આફ્રિકાનો કોઈ એક ઈનિંગમાં આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમે નવેમ્બર 2015માં ભારત સામે સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો. તે સમયે નાગપુર ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ 79 રનના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં અશ્વિને પ્રથમ ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. આ સાથે ઘરઆંગણે પણ ભારત સામે સાઉથ આફ્રિકાનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા યજમાન ટીમે ભારત સામે ડિસેમ્બર 2006માં સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો. તે સમયે સાઉથ આફ્રિકાની ટીમ જોહાનીસ્બર્ગમાં 84 રનમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં એસ શ્રીસંતે પ્રથમ ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.