'મને આ પ્રકારની રમત નથી ગમતી..' DSP સિરાજ સાથેની 'બબાલ' પર કાંગારુ બેટરે તોડ્યું મૌન
Mohammed Siraj on Travis Head: એડિલેડ ટેસ્ટ મેચના બીજા દિવસે ટ્રેવિસ હેડ આઉટ થયો ત્યારે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ સાથે તેની બોલાચાલી થઈ હતી.એમ્પાયરે સિરાજને વોર્નિંગ આપી હતી. બાદમાં ટ્રેવિસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, સૌથી પહેલાં સિરાજે મારી સાથે ગેરવર્તૂંણક કરી હતી. પરંતુ ત્યારબાદ તેણે મને મેદાનમાંથી બહાર જવાનો ઈશારો પણ કર્યો હતો. છેલ્લી કેટલીક ઈનિંગ્સમાં મારી સાથે આ પ્રકારનો વ્યવહાર થયો છે, જેનાથી હું નારાજ છું.
સિરાજે શું જવાબ આપ્યો?
સિરાજે આ મુદ્દે હરભજન સિંહ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેણે હું સારી બોલિંગ કરી રહ્યો નથી, તેમ કહ્યું હતું. જેથી મેં જ્યારે વિકેટ ઝડપી તો હું ઉત્સાહમાં હતો. તે દરમિયાન તેણે મને કંઈક કહ્યું, જેનાથી હું ગુસ્સે ભરાયો અને તેને બહાર જવાનો ઈશારો કર્યો.
સિરાજે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું કે, ‘તેણે મારી બોલિંગની મજાક ઉડાવી હતી. તે એક સારી લડાઈ હતી, કારણકે, તે વાસ્તવમાં ખૂબ સારી બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે બેટર સારા બોલ પર છગ્ગો ફટકારે છે, તો બોલરને ખરાબ તો લાગે છે. જેનાથી મને વધુ ગુસ્સો આવ્યો અને તેને આઉટ કરવા પ્રયાસ કર્યો, આઉટ કર્યા બાદ જ્યારે હું ગેલમાં આવ્યો ત્યારે તેણે મને ગાળ આપી હતી.’
ટ્રેવિસ ખોટું બોલ્યો
સિરાજે વધુમાં જણાવ્યું કે, તમે ટીવી પર જોઈ રહ્યા છો, શરૂઆતમાં હું ઉત્સાહ મનાવી રહ્યો હતો, ત્યારે તે કંઈક બોલ્યો. પછી મેં પ્રતિક્રિયા આપી. તેણે મીડિયાને ખોટી વાત કહી છે. જે જુઠ્ઠુ બોલ્યો છે. અમે તમામનું સન્માન કરીએ છીએ. ક્રિકેટ એક સજ્જન રમત છે. ટ્રેવિસ હેડની વર્તૂણક ખોટી હતી. મને બહું જ ખરાબ લાગ્યું.
સિરાજ ખલનાયક બન્યોઃ સુનીલ ગાવસ્કર
સિરાજ અને ટ્રેવિસ હેડની આ બોલચાલ અંગે દિગ્ગજ પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, મને આખી ઘટનાની વાસ્તવિકતા ખબર નથી. પરંતુ જે પણ બન્યું તે અયોગ્ય છે. તે ખેલાડીએ 140 રન બનાવ્યા હતા, ચાર-પાંચ નહીં. તમારે તેને વિદાઈ આપવી જોઈએ હતી. ટ્રેવિસે જે કંઈ પણ કહ્યું કે કર્યું સિરાજે તેને સન્માનજનક વિદાય આપવી જોઈએ હતી, આમ કરવાથી તે હીરો બની જતો. પરંતુ તે મેદાન બહાર જવાનો ઈશારો કરી ખલનાયક બન્યો છે.
આઈસીસી સજા આપી શકે છે
ટેસ્ટ મેચ બાદ સિરાજને તેના વ્યવહાર બદલ આઈસીસી ફટકારની સાથે દંડ પણ લગાવી શકે છે. એડિલેડ ટેસ્ટ પૂરી થયા બાદ આઈસીસી આ મુદ્દે નિર્ણય લેશે. એડિલેડ ટેસ્ટ મેચમાં ટ્રેવિસ હેડએ પ્રથમ ઈનિંગમાં 140 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર, અને ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે વિજય થયો હતો.