આ બે સ્ટાર ખેલાડીઓ Duleep Trophyથી બહાર, રવિન્દ્ર જાડેજાએ પણ નામ પાછું ખેંચ્યું, જાણો કારણ
Image Twitter |
Duleep Trophy: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેની ઈન્ડિયા-બી ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી. હવે તેને ફ્રી કરી દેવામાં આવ્યો છે.
સિરાજ અને ઉમરાન બીમારીના કારણે પહેલા રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા છે. સિરાજ ઈન્ડિયા-બી ટીમનો ભાગ હતો. સિરાજની જગ્યાએ દિલ્હીના નવદીપ સૈનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ઈન્ડિયા-સીમાં ઉમરાન મલિકની જગ્યાએ ગૌરવ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજાની જગ્યાએ હજુ કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી.
ગૌરવે રણજી ટ્રોફીમાં 41 વિકેટ લઈને ધૂમ મચાવી
32 વર્ષીય ગૌરવ મધ્ય પ્રદેશનો છે, પરંતુ તે ગઈ સિઝનથી પોડીચેરી આવી ગયો હતો. તેણે રણજી ટ્રોફીમાં 41 વિકેટ લઈને ધૂમ મચાવી હતી. સાત મેચોમાં તેણે 14.58ની એવરેજથી કામ કર્યું હતું. જેમાં પાંચ વિકેટ ઝડપી હતી. ગૌરવ અત્યાર સુધીમાં કુલ 37 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 141 વિકેટ પોતાના નામ કરી છે. ગૌરવે 2012માં પોતાની ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કરી હતી.
નીતિશ કુમાર રેડ્ડીને લઈને હજુ સુધી કોઈ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. તેનું દુલીપ ટ્રોફીમાં રમવું કે નહીં તે તેની ફિટનેસ પર આધાર રહેલો છે. કારણ કે, તેણે હાલમાં હર્નિયાની સર્જરી કરાવી છે.
ફોર્મેટ બદલાઈ ગયું છે
હકીકતમાં દુલીપ ટ્રોફીનું આયોજન ઝોનલ ફોર્મેટમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને ઉત્તર-પૂર્વની ટીમો રમતી હતી. જોકે, હવે આ વખતે ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ચાર ટીમોની ટુર્નામેન્ટ બનાવવામાં આવી છે. આ વખતે તે ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બી, ઈન્ડિયા-સી, ઈન્ડિયા-ડી ટીમો વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડ 5 સપ્ટેમ્બરથી બેંગલુરુ અને અનંતપુરમાં રમાશે.