IPL બાદ T20 વર્લ્ડકપ પણ નહીં રમે મોહમ્મદ શમી! ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, BCCIએ આપી અપડેટ
બાંગ્લાદેશ સામે ઘરેલુ સિરીઝમાં શમીની વાપસીની સંભાવના
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 11 માર્ચ 2024, સોમવાર
T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં થશે. આ ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશ્વ સ્તરીય ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ વાતની પુષ્ટિ કરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવે કહ્યું કે 'સ્ટાર બોલર બાંગ્લાદેશ સામેની ઘરેલુ સિરીઝમાં રમતો નજર આવશે. આવી સ્થિતિમાં તેના માટે IPL 2024માં પણ રમવું મુશ્કેલ છે.'
IPL અને T20 વર્લ્ડકપમાંથી બહાર થયો શમી
ODI વર્લ્ડ કપ 2023માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર તાજેતરમાં એડીની સર્જરી માટે લંડન ગયો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હવે સમાચાર આવ્યા છે કે, તે સપ્ટેમ્બરમાં યોજાનારી બે ટેસ્ટ અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝમાં બાંગ્લાદેશ સામે રમતો નજર આવશે. બીસીસીઆઈ સચિવે કહ્યું કે, 'શમીની સર્જરી થઈ ગઈ છે અને તે ભારતમાં પરત ફર્યો છે. બાંગ્લાદેશ સામે ઘરેલુ સિરીઝમાં શમીની વાપસીની સંભાવના છે.'
IPL થઈ શકે છે કેએલ રાહુલની વાપસી
બીજી તરફ ભારત vs ઈંગ્લેન્ડ સિરીઝની પ્રથમ ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયેલા કેએલ રાહુલ વિશે પણ બીસીસીઆઈ સચિવે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'વિકેટકીપર બેટ્સમેનને ઈન્જેક્શનની જરૂર છે. તેણે રિહેબ શરૂ કરી દીધું છે અને NCAમાં છે. જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ બાદ રાહુલ ઈંગ્લેન્ડ સિરીઝની છેલ્લી ચાર ટેસ્ટમાં નહોતો રમી શક્યો. લંડનમાં સારવાર કરાવ્યા બાદ તે IPLમાં લખનૌ સુપરજાયન્ટ્સ માટે તેના રમવાની આશા છે.'