શમીએ માર્શને રોકડું પરખાવ્યું, કહ્યું 'આ ખુશીની વાત નથી, તમામ ટીમો આ ટ્રોફી માટે લડી રહી હતી'
પેટ કમિન્સે તેના સોશ્યલ મીડિયા પર મિચેલ માર્શની ટ્રોફી પર પગ મુકવાની તસવીર શેર કરી હતી
Image:Twitter |
Mohammed Shami On Mitchell Marsh's World Cup Trophy Controversy: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. વર્લ્ડકપ બાદ પોતાના ગામ પરત ફરેલા મોહમ્મદ શમીએ મીડિયા સાથે વાતચીત કરતા માર્શના વાયરલ થયેલા ફોટો પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકીને ફોટો ક્લિક કર્યો હતો.
આ ટ્રોફી માટે દુનિયાભરની તમામ ટીમો લડી રહી હતી - મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ માર્શની તે તસવીર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'મને આ જોઇને ખુબ જ દુખ થયું કે માર્શે તે ટ્રોફીનું સન્માન ન કર્યું.' શમીએ વધુમાં કહ્યું કે, 'થોડા દિવસો પહેલા સુધી દુનિયાભરની તમામ ટીમો આ ટ્રોફી માટે એકબીજા સાથે લડી રહી હતી. જેને તમારે તમારા માથા પર ઉઠાવવી જોઈએ, એ જ ટ્રોફી પર તમારા પગ મૂકીને ફોટો ક્લિક કરાવવો એ ખુશીની વાત નથી.'
RTI કાર્યકર્તાએ માર્શ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
મિચેલ માર્શે ODI World Cup 2023ની ફાઈનલ મેચ બાદ ટ્રોફી પર પગ મુકીને ફોટો ક્લિક કરાવી હતી. માર્શની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. તસવીર વાયરલ થયા બાદ ભારતીય ફેન્સે માર્શને ખુબ ખરીખોટી સંભળાવી હતી. માત્ર આટલું જ નહીં માર્શની વાયરલ તસવીરને લઈને ઉત્તર પ્રદેશના એક RTI કાર્યકર્તાએ તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મિચેલ માર્શે જે રીતે વર્લ્ડકપની ટ્રોફી પોતાના પગ નીચે રાખી હતી તેનાથી ભારતીય પ્રશંસકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.