ઓસ્ટ્રેલિયાની સીરિઝમાંથી મોહમ્મદ શમી બહાર ! ચુપચાપ ઓસી. પહોંચી ગયો ટીમ ઈન્ડિયાનો આ નવો બોલર
Yash Dayal Quietly Reached Australia : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. જેને લઈને ભારતીય ટીમ પર્થમાં સતત પ્રેક્ટિસ કરી રહી છે. દરેક ભારતીય ચાહકો રાહ જોઈ રહ્યા છે કે ઝડપી બોલર મોહમ્મદ શમી વહેલી તકે ઓસ્ટ્રેલિયા પહોંચી જઈને ભારતીય ટીમની તાકાતમાં વધારો કરે, પરંતુ હાલમાં ચાહકો અને શમીને આ માટે રાહ જોવી પડી રહી છે. આ બધાની વચ્ચે અચાનક ભારતીય ટીમનો એક બોલર ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. અને તેની કોઈને જાણ પણ થઈ નથી.
આ ખેલાડી પહોંચ્યો સીધો ઓસ્ટ્રેલિયા
આ ખેલાડી છે યશ દયાલ. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જ્યારે ભારતીય ટીમની બસ પ્રેક્ટિસ માટે ઓપ્ટસ સ્ટેડિયમ પહોંચી તો યશ દયાલ પણ બસમાંથી નીચે ઉતર્યો હતો. જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ ચોંકાવનારી બાબત એટલા માટે છે. કારણ કે યશ દયાલ ન તો આ સીરિઝ માટે પસંદ કરાયેલી મુખ્ય ટીમનો ભાગ છે. અને ન તો તેને અનામત ખેલાડી તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ મેનેજમેન્ટે યશને ચુપચાપ બોલાવી લીધો
યશ દયાલને અગાઉ ઓસ્ટ્રેલિયા A સામેની સીરિઝ માટે ઇન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે આ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા આવી શક્યો ન હતો. કારણ કે આગાઉ તેની દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટેની T20 સીરિઝ માટે પસંદગી કરવામાં આવી હતી. જો કે તેને દક્ષિણ આફ્રિકામાં એક પણ મેચ રમવા મળી ન હતી. દક્ષિણ આફ્રિકાની સીરિઝ ખતમ થયા બાદ હવે ટીમ મેનેજમેન્ટે યશને ચુપચાપ ઓસ્ટ્રેલિયા બોલાવી લીધો છે. જો કે, BCCIએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
આ કારણોસર યશને બોલાવવામાં આવ્યો
હવે સવાલ એ છે કે યશ દયાલને ઓસ્ટ્રેલિયા શા માટે બોલાવવામાં આવ્યો છે? હાલમાં ભારતીય ટીમને બોલર તરીકે યશ દયાલની ટીમમાં જરૂર નથી. હકીકતમાં તેને ટીમને પ્રેક્ટિસમાં મદદ કરવા માટે જ બોલાવવામાં આવ્યો છે. યશ દયાલ ભારતીય ખેલાડીઓને ડાબા હાથની બોલિંગ સામે તૈયાર કરવામાં મદદ કરશે. જો કે, ભારતીય ટીમ પાસે પહેલેથી જ ખલીલ અહેમદના રૂપમાં ડાબોડી બોલર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : 'ભારત વગર ચેમ્પિયન્સ ટ્રૉફી સંભવ નહીં...', ICCએ પાકિસ્તાનને રોકડું પકડાવ્યું
મોહમ્મદ શમી નહી આવે ઓસ્ટ્રેલિયા
યશ દયાલના આગમનથી ટીમને કેટલી મદદ મળશે તે કહેવું મુશ્કેલ છે. ભારતીય ટીમને આશા છે કે મોહમ્મદ શમી વહેલી તકે ઓસ્ટ્રેલિયા પહોંચે, જે ખરેખર ભારતીય ટીમની તાકાતમાં વધારો કરશે. જો કે શમને હાલમાં મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ જ તેને ઓસ્ટ્રેલિયા બોલવામાં આવશે.