IND vs AUS : એડિલેટ ટેસ્ટની વચ્ચે ટીમ ઈન્ડિયાને ઝટકો! ઑસ્ટ્રેલિયા પ્રવાસથી બહાર થઈ શકે છે શમી
IND vs AUS, Mohammed Shami : એડિલેડ ટેસ્ટ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ સિવાય બાકીના તમામ ઝડપી બોલરોએ વિકેટો મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ઝડપી બોલર મોહમ્મદ શમી હવે પૂરી ટુર્નામેન્ટમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ શકે છે.
શમીનો ફિટનેસ રિપોર્ટ
એક વર્ષ બાદ મોહમ્મદ શમીએ ક્રિકેટના મેદાનમાં વાપસી બંગાળની ટીમ સાથે રણજી ટ્રોફીમાં કરી હતી. આ પછી તે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં પણ તે જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય પસંદગીકાર શિવ સુંદર દાસ, BCCIની સ્પોર્ટ્સ સાયન્સ વિંગના વડા નીતિન પટેલ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ નિશાંત બરદુલે શમીના ફિટનેસ ચેકઅપમાં હાજર રહ્યા હતા. પરંતુ આ લોકો રાજકોટમાં તેની બોલિંગ જોઈને શમીનો ફિટનેસ રિપોર્ટ BCCIને સુપરત કરી શક્યા ન હતા.
હમણાં શમીની વાપસી મુશ્કેલ
BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'હમણાં શમીનું ઓસ્ટ્રેલિયા જવાની કોઈ શક્યતા નથી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભલે તેની ખોટ વર્તાઈ રહી હોય છે. પરંતુ તે આવતા વર્ષે સિડનીમાં રમાનાર ટેસ્ટ મેચ સુધીમાં ફિટ થઇ શકે છે. જો રિકવરી ખૂબ જ ઝડપથી થશે તો શમી મેલબોર્નમાં યોજાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જોડાઈ શકે છે. પરંતુ તમારે એ માનીને ચાલવું લેવું જોઈએ કે જો બધું બરાબર નહી હોય તો તે આ પ્રવાસમાંથી સંપૂર્ણપણે દૂર રહી શકે છે.'
ઘણાં સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે શમી
અહીં તમને જણાવી દઈએ કે શમી વનડે વર્લ્ડકપ 2023 બાદથી વાપસી કરી શક્યો નથી. અને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. ત્યારથી શમી રિહેબમાંથી પસાર થઈ રહ્યો હતો. શમીએ ભારતીય ટીમમાં વાપસી કરવા માટે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. શમીએ અત્યાર સુધીમાં સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની સાત મેચમાં આઠ વિકેટ લીધી હતી. હવે તે 9 નવેમ્બરથી બંગાળ માટે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ પણ રમતા જોવા મળી શકે છે.