IPL પહેલા બબાલઃ યુઝરે ગુજરાતી ક્રિકેટરને ‘છપરી કાલુ’ કહી ફેક ઈન્જરીની ટીકા કરી, શમીની ‘લાઈક’
મોહમ્મદ શમીએ પોતાની ઈજા અને રિકવરી અંગે અપડેટ આપી હતી
Image:Twitter |
Mohammed Shami : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે વર્લ્ડકપ 2023 બાદ મેદાનથી દૂર છે. વર્લ્ડકપ દરમિયાન તેને પગની એડીમાં ઈજા થઈ હતી. તેમ છતાં તેણે સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટ ઝડપી હતી. તેણે હાલમાં જ સર્જરી કરાવી હતી. શમીએ સોશિયલ મીડિયા પર તેની રિકવરી અંગે કહ્યું હતું કે, “હું સતત રિકવરી પર કામ કરી રહ્યો છે. ટાંકા કપાઈ ગયા છે.” પોસ્ટના જવાબમાં એક યુઝરે હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. યુઝર દ્વારા કરવામાં આવી પોસ્ટને મોહમ્મદ શમીએ લાઈક પણ કરી છે. જેથી સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે.
શમીએ ફિટનેસ અંગે આપી હતી માહિતી
મોહમ્મદ શમીએ પોતાની ફિટનેસ વિશે માહિતી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે,”બધાને હેલો! હું તમને મારી રિકવરી પર તમામ અપડેટ આપવા માંગુ છું. મારી સર્જરીને 15 દિવસ થયા છે અને મારા ટાંકા તાજેતરમાં દૂર કરવામાં આવ્યા છે. મેં કરેલી પ્રગતિ માટે હું આભારી છું અને રિકવરીના આગલા સ્ટેજમાં આગળ વધવા માટે તૈયાર છું.”
સોશિયલ મીડિયા યુઝર્સે કરી કોમેન્ટ
પોસ્ટના જવાબમાં એક યુઝરે લખ્યું કે શમી ઈજાગ્રસ્ત થયા પછી પણ વર્લ્ડકપ રમી રહ્યો હતો, તો એક ખેલાડીએ IPLમાં રમવા માટે વર્લ્ડકપ દરમિયાન ઈજાગ્રસ્ત થવાનું નાટક કર્યું. યુઝરે અહીં હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું હતું. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, 'શમી ભાઈએ જ્યારે વર્લ્ડકપ દરમિયાન ઈજા થઈ રહી હતી ત્યારે પણ તેમનું 100 ટકા આપ્યું હતું, તો ત્યાં એક છપરી કાલુ છે જેણે પોતાને IPL માટે ઉપલબ્ધ રાખવા માટે નકલી ઈજા કરી હતી.'
શમીએ લાઈક કરી કોમેન્ટ
મોહમ્મદ શમીએ આ કોમેન્ટને લાઈક કરી હતી. આ પછી તે વાયરલ થયો હતો. IPL દરમિયાન પણ હાર્દિક અને શમી વચ્ચે વિવાદ થયો હતો. કેચ છોડવા બદલ હાર્દિક પંડ્યાએ મોહમ્મદ શમી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારે શમીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેને આવી પ્રતિક્રિયાઓ પસંદ નથી. ટીમ મેનેજમેન્ટે દરમિયાનગીરી કરીને મામલો ઉકેલવો પડ્યો હતો.