15 દિવસ પછી મોહમ્મદ શમીના ટાંકા હટાવાયા, સર્જરી બાદ બોલરે પોતે આપી અપડેટ
મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023ની 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી
Image: File Photo |
Mohammed Shami Recovery Update : વન-ડે વર્લ્ડકપ 2023માં ધૂમ મચાવનાર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સર્જરી બાદ પોતાની હેલ્થ અપડેટ આપી છે. શમીએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી પોતાની રિકવરી વિશે જણાવ્યું છે. તેણે ત્રણ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેણે પોતાની એડીની તસવીર પણ ચાહકો સાથે શેર કરી છે.
શમીએ રિકવરી અંગે આપી અપડેટ
શમીએ એક્સ(X) પર લખ્યું, “હું તમને મારી રિકવરીની પ્રગતિ વિશે જણાવવા માંગુ છું. મારી સર્જરીને 15 દિવસ થઇ ગયા છે અને મારા ટાંકા તાજેતરમાં દૂર કરવામાં આવ્યા છે, મેં કરેલી પ્રગતિ માટે હું આભારી છું, હવે હું મારી સારવારના આગલાં સ્ટેજની રાહ જોઈ રહ્યો છું.” જણાવી દઈએ કે શમીને તેની જમણી એડીમાં સમસ્યા હતી, જેના કારણે તેની 26 ફેબ્રુઆરી 2024ના રોજ સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. હાલમાં BCCIની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે, શમી ઈજાના કારણે IPL 2024માં રમી શકશે નહીં.
શમી T20 World Cup 2024માં રમી શકશે?
તાજેતરના અહેવાલો મુજબ આ સર્જરી પછી ઓક્ટોબર-નવેમ્બરમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ મેચ પહેલા તે ભારતીય ટીમમાં વાપસી કરી શકે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં હવે તે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રમતા જોવા મળી શકે છે. શમી T20 World Cup 2024માં રમી શકશે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.