445 દિવસ બાદ મોહમ્મદ શમીની વાપસી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો મોકો
Mohammed Shami: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે ખૂબ જ સરળતાથી T20 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. હવે ભારતીય ટીમ અંગ્રેજો સામે ત્રણ મેચની વન ડે સીરિઝના મુકાબલા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારી માટે આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. એવી જ રીતે ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે પણ ઈગ્લેન્ડ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શમી નવેમ્બર 2023 બાદ ફરીથી વન ડે ક્રિકેટ રમતો દેખાશે. છેલ્લી વખત તે 2023ના વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. શમી 445 દિવસ બાદ વાપસી કરી રહ્યો છે. હવે શમી પોતાની વાપસી પર એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે.
શમીના નિશાન પર રેકોર્ડ
મોહમ્મદ શમી પાસે ઈંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝમાં પોતાને સાબિત કરવાની મોટી તક હશે. લગભગ 14 મહિના બાદ વન ડેમાં વાપસી કરનારા શમી પાસે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં ઉતરતા પહેલા આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. બીજી તરફ શમી આ સીરિઝમાં વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે. શમીએ અત્યાર સુધીમાં 101 વન ડે મેચની 100 ઇનિંગ્સમાં કુલ 195 વિકેટ લીધી છે. જો શમી કોઈક રીતે ઈંગ્લેન્ડ સામેની પહેલી વન ડેમાં 5 વિકેટ લેવામાં સફળ રહે તો વન ડેમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે થઈ જશે.
સ્ટાર્કના નામે છે આ રેકોર્ડ
હાલમાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કના નામે છે. સ્ટાર્કે 102 વનડે મેચની 102 ઇનિંગ્સમાં 200 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં શમી પાસે મેચના મામલે સ્ટાર્કની બરાબરી કરવાની શાનદાર તક હશે. આ યાદીમાં બીજા નંબર પર પાકિસ્તાની દિગ્ગજ સકલૈન મુશ્તાક બીજા નંબરે છે. મુશ્તાકે 104 મેચની 101 ઈનિંગ્સમાં 200 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 107 મેચમાં આ કારનામું કર્યું હતું.
લાંબા સમય બાદ શમીની વાપસી
નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે વન ડે વર્લ્ડ કપ ફાઈનલમાં હારી ગયા બાદ પગની ઘૂંટીમાં ઈજાને કારણે શમી ટીમની બહાર હતો. આ માટે તેને સર્જરી કરાવવી પડી. ત્યારબાદ જ્યારે તે ટીમમાં ફરી વાપસી કરવાની નજીક હતો ત્યારે તેના ડાબા ઘૂંટણમાં સોજો આવી ગયો હતો. આ ફાસ્ટ બોલરને હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સીરિઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે બે મેચ રમી હતી.