ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરશે શમી, વિજય હજારે ટ્રોફીમાં બોલાવ્યો સપાટો
Mohammed Shami Selection For Team India: મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023ના ફાઈનલ બાદથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમવાની તક મળી ન હતી. પરંતુ શમી હવે ફરી પાછો ટીમમાં સામેલ થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ વનડે સીરિઝ માટે ટીમ સિલેક્શન પહેલાં જ મોહમ્મદ શમીની હંફાવતી બોલિંગના કારણે ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે, આગામી સીરિઝમાં શમી ટીમ ઈન્ડિયા તરફથી રમશે.
મોહમ્મદ શમી હાલ વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. અને ફાસ્ટ બોલરે હરિયાણા વિરૂદ્ધની મેચમાં 3 વિકેટ ઝડપ્યા હતા. 10 ઓવરમાં 61 રન સામે ત્રણ વિકેટ ઝડપી લેતાં તે ટીમ ઈન્ડિયામાં રમવા માટે તૈયાર હોવાનું જણાઈ રહ્યું છે.
શમીએ ત્રણ વિકેટ ઝડપી
શમીએ હરિયાણાના ઓપનર હિમાંશુ રાણાની વિકેટ ઝડપી હતી. આ બેટર માંડ 14 રન બનાવી શક્યો હતો. બાદમાં શમીએ મિડલ ઓવર્સમાં વિકેટ કીપર દિનેશ બાનાને 15 રને આઉટ કર્યો હતો, અને અંશુલ કંબોજની પણ વિકેટ લીધી હતી. શમી ઉપરાંત ફાસ્ટ બોલર મુકેશ કુમારે બે વિકેટ ઝડપી હતી. હરિયાણાની ટીમે 50 ઓવરમાં કુલ 298 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ H1B વિઝામાં 5 મોટા ફેરબદલ: અમેરિકામાં નોકરીનું સપનું જોતાં લોકોને મળશે લાભ
શમી રમવા માટે તૈયાર
શમીએ ગતવર્ષે ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. તેથી ઘણા સમયથી તે મેદાનમાંથી બહાર રહ્યો હતો. હાલમાં જ તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી હતી. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અને હવે વિજય હજારે સીરિઝમાં પણ બેટરને હંફાવતી બોલિંગ કરી રહ્યો છે.
11 જાન્યુઆરીએ થશે ટીમ સિલેક્શન
ઈંગ્લેન્ડ ટી20, વનડે સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન 11 જાન્યુઆરીએ થશે. જેમાં શમીને તક મળી શકે છે. બુમરાહને આ ટ્રોફીમાંથી બ્રેક આપવામાં આવી શકે છે. બુમરાહ સિડની ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી શમી ટીમ ઈન્ડિયાની બોલિંગ યુનિટને લીડ કરી શકે છે. શમીનું આઈસીસી ટુર્નામેન્ટમાં પણ આકર્ષક પર્ફોર્મન્સ રહ્યું છે. આઈસીસી ટુર્નામેન્ટમાં રમાયેલી 18 વનડેમાં કુલ 55 વિકેટ ઝડપી હતી.