આ મેચથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે મોહમ્મદ શમી, સર્જરીના કારણે હતો બહાર
Mohammad Shami: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીની ટીમમાં વાપસીની લઈને ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોહમ્મદ શમી લાંબા સમયથી મેદાનથી દૂર છે. તેણે પોતાની છેલ્લી મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમી હતી. ત્યારબાદ તે ઈજાના કારણે ભારતીય ટીમથી બહાર થઈ ગયો હતો. હવે શમીના મેદાનમાં વાપસીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શમી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા જ ભારતોય ટીમ માટે રમતા જોવા મળી શકે છે.
ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા માટે આ વર્ષના અંતમાં 22 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયામાં રમશે. આ ટુર્નામેન્ટમાં શમીનું રમવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. પરંતુ તે પહેલા શમી 11 ઓક્ટોબરે રણજી મેચ રમતા જોવા મળી શકે છે. 11 ઓક્ટોબરે મોહમ્મદ શમી તેની હોમ ટીમ બંગાળ માટે મેચ રમતા જોવા મળી શકે છે, આ મેચ ઉત્તર પ્રદેશમાં યોજાશે. આ પછી તે 18 ઓક્ટોબરેના રોજ બિહાર સામે પણ મેચ પણ રમી શકે છે. 2 રણજી મેચ રમ્યા બાદ શમી ન્યુઝીલેન્ડ સામે મેચ રમતા જોવા મળી શકે છે.ભારતીય ટીમે 19 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની સીરિઝ રમવાની છે. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ શમી આ મેચો દ્વારા ઓસ્ટ્રેલિયા જતા પહેલા પોતાની તૈયારીઓ ચકાસી શકે છે.
આ દિવસોમાં મોહમ્મદ શમી NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)માં ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શમીએ 2023 વનડે વર્લ્ડકપ બાદ બ્રેક લીધો હતો. ત્યારબાદ તેણે ફેબ્રુઆરીમાં યુકેમાં પગના ઘૂંટણની સર્જરી કરાવી હતી. જેના કારણે તે ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો. હવે તે લગભગ 11 મહિના પછી ટીમમાં ફરીથી વાપસી કરી શકે છે.
એવું મનાઈ રહ્યું હતું કે મોહમ્મદ શમી આ વર્ષે દુલીપ ટ્રોફીમાં ભાગ લઇ શકે છે, પરંતુ તેની ફિટનેસના કારણે તે આ ટુર્નામેન્ટથી દૂર રહ્યો હતો. બીસીસીઆઈના પસંદગીકારો ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શમીને લઈને કોઈ જોખમ લેવા માંગતા ન હતા. એટલા માટે તેને દુલીપ ટ્રોફીથી દૂર રાખવામાં આવ્યો છે.
હાલમાં નેપાળની ક્રિકેટ ટીમ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી છે. મોહમ્મદ શમી પણ અહીં જ ટ્રેનિંગ લઈ રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઈ હતી, જેમાં મોહમ્મદ શમી નેપાળના ક્રિકેટરોને બોલિંગ ટ્રિક્સ શીખવતો જોવા મળ્યો હતો.