ટેસ્ટ ક્રિકેટમાં રોહિતની જગ્યાએ પંત બની શકે છે કેપ્ટન: પૂર્વ સ્ટાર ખેલાડીનો દાવો
Mohammad Kaif On Test Captain : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમ ટીકાકારોના નિશાના પર છે. કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણાં ખેલાડીઓ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોહિતે હવે વહેલી તકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેવી જોઈએ. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સીરિઝ સાબિત થઈ શકે છે. આ પછી ભારતીય ટીમને ટેસ્ટમાં નવો કેપ્ટન મળી શકે છે.
બુમરાહ કેપ્ટનના પદનો દાવેદાર!
આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમમાં રોહિત શર્મા કેપ્ટન અને જસપ્રિત બુમરાહ વાઇસને કેપ્ટન બનાવવાના આવ્યો છે. આ સ્થિતિમાં જો રોહિત કેપ્ટનશીપ છોડે છે તો સ્વાભાવિક રીતે બુમરાહ કેપ્ટનના પદનો દાવેદાર હશે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે રોહિત પછી રિષભ પંતને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવી જોઈએ. અને પંત હંમેશા ટીમને સર્વોપરી રાખે છે. અને તેણે વિદેશી પરિસ્થિતિઓમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.
પહેલી ટેસ્ટ મેચમાં રોહિતના રમવા અંગે શંકા
37 વર્ષીય રોહિત શર્મા પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની 0-3થી થયેલી હાર બાદ રોહિતની કેપ્ટનશીપ અને બેટિંગ પર અનેક સવાલો ઉભા થયા છે. જો કે તેણે કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં વધુ ચિંતા દર્શાવી ન હતી. અને પોતાનું ધ્યાન આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કેન્દ્રિત કરવાનું કહ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં રોહિતના રમવા અંગે શંકા છે. તેની ગેરહાજરીમાં બુમરાહ ટીમનું નેતૃત્વ કરશે. જો કે, કૈફનું માનવું છે કે, પંતને લાંબા ગાળા માટે નેતૃત્વની ભૂમિકા આપવામાં આવી જઈએ.
તેણે હંમેશા ટીમને આગળ રાખી : મોહમ્મદ કૈફ
કૈફે કહ્યું હતું કે, 'વર્તમાન ટીમમાં માત્ર રિષભ પંત જ ટેસ્ટનો કેપ્ટન બનવાનો દાવેદાર છે. અને તે તેના માટે લાયક પણ છે. તેણે હંમેશા ટીમને આગળ રાખી છે. તે ઈંગ્લેન્ડમાં ગમે તે નંબર પર બેટિંગ કરે છે. ઑસ્ટ્રેલિયા હોય કે દક્ષિણ આફ્રિકા, તેણે દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે.'
પંત બની શકે છે રોહિત શર્માનો અનુગામી
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં રિષભ પંતે અડધી સદી ફટકારી હતી. જ્યારે અન્ય ભારતીય બેટરો ન્યુઝીલેન્ડના સ્પિનરો સામે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે પંતે ભારતની આશા જીવંત રાખી હતી.
રિષભ પંતને લઈને કૈફે વધુમાં કહ્યું હતું કે, 'જ્યારે પણ રિષભ પંત પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમશે, ત્યારે તે એક લિજેન્ડ તરીકે નિવૃત્ત થશે. તેણે તે સાબિત કરી દીધું છે, તેની વિકેટકીપિંગમાં ઘણો સુધારો થયો છે. જ્યાં સુધી તે ક્રિઝ પર હતો ત્યાં સુધી ન્યૂઝીલેન્ડ ટીમ પર દબાણ જોવા મળ્યું હતું. તેથી મને લાગે છે કે જો વર્તમાન ટીમ માટે તમે ભાવિ સુકાની શોધી રહ્યા છો તો રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનો અનુગામી બનવાને લાયક છે.'