VIDEO : ‘ફિક્સર..ફિક્સર‘ ચાહકોએ પાકિસ્તાની બોલરને ટોણો માર્યો, દર્શકો પર ભડક્યો
આમિર પર સ્પોટ ફિક્સિંગ માટે ICCએ 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો
Image:Twitter |
Mohammad Amir Fight With Fans : PSL 2024માં એક એવી ઘટના બની જેને જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને પોતાના જ દેશના ચાહકો તરફથી અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની ચાહકો મોહમ્મદ આમિરને "ફિક્સર-ફિક્સર" કહીને ચીડવતા જોવા મળે છે, જેના પછી આમિર ગુસ્સે થઇ જાય છે. આમિરે ફેન્સની વાત પર પ્રતિક્રિયા આપી અને તેમની સાથે બોલાચાલી કરી હતી. જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ આમિરને આગળ જતા રોકતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ચાહકોએ પાકિસ્તાની બોલરને ટોણો માર્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોહમ્મદ આમિર ક્વેટા ગ્લેડીયેટર્સની મેચ બાદ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે એક દર્શકે આમિરને ‘ફિક્સર-ફિક્સર’ કહીને ટોણો મારવા લાગે છે. આ સાંભળીને આમિર ગુસ્સે થઈ જાય છે. આમિર તે વ્યક્તિનો સામનો કરવા લાગે છે. પછી સાથી ખેલાડીઓ વચ્ચે પડીને આમિરને ત્યાંથી લઈ ગયા. જણાવી દઈએ કે વર્ષ 2010માં આમિર સ્પોટ ફિક્સિંગમાં ફસાઈ ગયો હતો. જેના કારણે ICCએ ફાસ્ટ બોલર પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ જ કારણ છે કે આજે પણ ચાહકો આમિરને ફિક્સર કહીને ટોણા મારતા રહે છે.
7 મેચમાં માત્ર 6 વિકેટ
PSL 2024માં આમિરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે 7 મેચમાં માત્ર 6 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 8.69 રન છે. આમિરના આ આંકડા ઘણા ખરાબ છે કારણ કે તેનો ઈકોનોમી રેટ 7.17 રન પ્રતિ ઓવર છે. જો કે આમિરના ખરાબ પ્રદર્શન છતાં ક્વેટાની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે.