'હું જેમ્સ એન્ડરસન નથી, 40 વર્ષની ઉંમર સુધી રમતો રહીશ', નિવૃત્તિ મુદ્દે સવાલ કરતા ઓસ્ટ્રેલિયન બોલરનો જવાબ
Mitchell Starc on Border-Gavaskar Trophy: જેમ્સ એન્ડરસને તાજેતરમાં જ 41 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ક્રિકેટ જગતમાં એવા બહુ ઓછા બોલર છે જેમણે 40 વર્ષની ઉંમર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની બોલિંગ સ્ટાઈલ બતાવી હોય. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે સ્વીકાર્યું છે કે એન્ડરસનની જેમ 40 વર્ષની ઉંમર સુધી રમવું મારા માટે ઘણું મુશ્કેલ હશે. હું જિમીની જેમ 40 વર્ષની ઉંમર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે નહીં.
હજુ નિવૃત્ત થવાની કોઈ યોજના નથી
ઓસ્ટ્રેલિયાનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. 34 વર્ષીય સ્ટાર્ક બોર્ડર-ગાવસ્કર સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તાજેતરના સમયમાં સ્ટાર્ક તેની ઇજાઓથી પરેશાન છે. તેણે હંમેશા કબૂલ્યું છે કે મેં 100 ટકા ફિટ ન હોવા છતાં પણ બોલિંગ કરી છે, પરંતુ મને નથી લાગતું કે મારી કારકિર્દી ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન જેટલી લાંબી હશે.
સ્ટાર્કે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ત્રણેય ફોર્મેટમાં લાંબા સમય સુધી રમવાની તક મળી છે. મને ખબર નથી કે હું ક્યાં સુધી રમવાનું ચાલુ રાખીશ. જો કે ત્રણેય ફોર્મેટનું શેડ્યૂલ મારા માટે મુશ્કેલ બની રહ્યું છે. મારા માટે ટેસ્ટ હજુ પણ ટોચ પર છે. હું જીમી જેવો વ્યક્તિ નથી, 40 વર્ષનો થાઉં ત્યાં સુધી રમી શકું અને બંને રીતે અદ્ભુત સ્વિંગ કરવાનું કૌશલ ધરાવતો હોય. હું ક્યારેય આ પ્રકારનો બોલર રહ્યો નથી. હું ખરેખર બોર્ડર ગાવસ્કર સિરીઝની રાહ જોઈ રહ્યો છું. મેં મારી નિવૃત્તિ માટે કોઈ ચોક્કસ સમય નક્કી કર્યો નથી.'
ભારત સામેની ટેસ્ટમાં સ્ટાર્કનો રેકોર્ડ
સ્ટાર્કે ભારત વિરુદ્ધ ટેસ્ટમાં કુલ 18 મેચ રમી છે અને આ દરમિયાન તે 48 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. સ્ટાર્કે આ ફોર્મેટમાં ભારત સામેની ઇનિંગ્સમાં હજુ સુધી પાંચ વિકેટ લીધી નથી.