ભૂલ થઈ... મારે ધ્યાન આપવું પડશે...: ઑસ્ટ્રેલિયામાં પરાજય નાદ નિરાશ થઈ ગયો બુમરાહ, જુઓ શું કહ્યું
Jasprit Bumrah : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ઓસ્ટ્રેલિયા સામે સિડની ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઈજાના કારણે જસપ્રીત બુમરાહ ત્રીજા દિવસે બોલિંગ કરી શક્યો ન હતો. ભારતીય ટીમને બોલિંગ માટે અનુકૂળ આ પિચ પર 162 રનના નાના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ માત્ર 27 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ સાથે જ તેમણે 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી હતી.
શું કહ્યું બુમરાહે?
આ દરમિયાન બુમરાહે કહ્યું હતું કે, 'આ થોડું નિરાશાજનક છે પરંતુ કેટલીકવાર તમારે તમારા શરીરનું સન્માન કરવું પડે છે. તમે તમારા શરીર સાથે લડી શકતા નથી. નિરાશાજનક એટેલે કે હું કદાચ સીરિઝની શ્રેષ્ઠ પીચ પર બોલિંગ કરતા રહી ગયો હતો. પહેલી ઇનિંગમાં મારા બીજા સ્પેલ દરમિયાન મને બરાબર લાગી રહ્યું ન હતું. મારે તેના પર ધ્યાન આપવું પડશે. આખી સીરિઝ દરમિયાન બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી હતી. અમે હજુ પણ ગેમમાં હતા, એવું નથી કે અમે તેમાંથી બહાર થઈ ગયા હતા, ટેસ્ટ ક્રિકેટ આ રીતે જ ચાલે છે. લાંબા સમય સુધી રમતમાં રહેવું, દબાણ બનાવી રાખવું, દબાણનો સામનો કરવો અને પરિસ્થિતિ અનુસાર રમવું એ બધું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે સંજોગોને અનુરૂપ થવું પડે છે અને આ જ વાત ભવિષ્યમાં અમને મદદ કરશે. અમે બતાવ્યું છે કે અમારા ખેલાડીઓમાં ઘણું ટેલેન્ટ છે.'
આ પણ વાંચો : સિડનીમાં કોહલીએ ખિસ્સાં બતાવી ઑસ્ટ્રેલિયન ભીડને આપ્યો જબરો જવાબ, વીડિયો વાઇરલ
જસપ્રીત બુમરાહને 'મેન ઓફ ધ સીરિઝ'નો ખિતાબ આપવામાં આવ્યો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે. છેલ્લી વખત કાંગારૂ ટીમે વર્ષ 2014-15માં ભારતીય ટીમને હરાવ્યું હતું. આ સ્થિતિમાં એક દાયકા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ફરીથી BGTમાં ચેમ્પિયન બની છે. આ સમગ્ર સીરિઝ દરમિયાન ભારત માટે એક સારી બાબત એ હતી કે જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહે એકલાએ જ આખી ઓસ્ટ્રેલિયન ટીમને હંફાવી દીધી હતી અને કુલ 32 વિકેટ ઝડપી હતી. આ માટે તેને 'મેન ઓફ ધ સીરિઝ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.