અમેરિકન સ્વિમર કૅટી લેડેકીનો માઈલસ્ટોન
અમેરિકાની ધુરંધર મહિલા સ્વિમર કૅટી લેડેકીએ પેરિસ ઓલિમ્પિકમાં ૮૦૦ અને ૧૫૦૦ મીટરની ફ્રિસ્ટાઈલ સ્વિમિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કરી લીધો હતો. લેડેકીએ આ સાથે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ ૯ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જીતવાના સોવિયત સંઘની જીમ્નાસ્ટ લારિસા લેટીનિનાની બરોબરી કરી લીધી હતી. લેડેકીએ ૮૦૦ મીટર ફ્રિસ્ટાઈલની સ્પર્ધામાં સતત ચોથા ઓલિમ્પિકમાં સુવર્ણસિદ્ધિનો સિલસિલો સર્જીને અનોખો કીર્તિમાન નોંધાવ્યો હતો. તે ચાર ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રકો જીતનારી સૌપ્રથમ મહિલા સ્વિમર બની હતી. પેરિસમાં લેડેકીએ બે સુવર્ણની સાથે ૧-૧ રજત અને કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો અને કારકિર્દીના કુલ ચંદ્રકોની સંખ્યા ૧૪ પર પહોંચાડી હતી.