IND vs SA : સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમ પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનું મોટું નિવેદન
સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી હરાવ્યું હતું
Image:Twitter |
Michael Vaughan On Team India : સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમ અને તેના ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. દેશ અને વિદેશના ક્રિકેટ નિષ્ણાંતો ભારતીય ટીમની આ શરમજનક હાર પર પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. આ દરમિયાન ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારતીય ટીમ માટે કહ્યું કે આ ટીમ કંઈ જીતી શકી નથી. તેણે ભારતીય ટીમને વિશ્વની સૌથી ઓછી સિદ્ધિ મેળવનારી ટીમોમાં સામેલ કરી છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી માર્ક વો સાથે વાતચીત દરમિયાન તેણે આ કહ્યું હતું.
'ભારત સૌથી ઓછી સિદ્ધિઓ ધરાવતી ટીમ છે'
સૌ પ્રથમ માઈકલ વોને માર્ક વોથી પૂછ્યું કે જો આપણે ક્રિકેટની વાત કરીએ તો શું તમને નથી લાગતું કે ભારતીય ટીમ વિશ્વની સૌથી ઓછી સિદ્ધિ મેળવનારી ટીમોમાંની એક છે? માર્ક વો કંઈ બોલે તે પહેલા જ માઈકલ વોને કહ્યું, 'તેણે તાજેતરના સમયમાં કંઈ મોટું જીત્યું નથી. મને લાગે છે કે તેઓ સૌથી ઓછી સિદ્ધિઓ ધરાવતી ટીમ છે. તેઓ કઈ નથી જીતતા. છેલ્લી વખત ક્યારે તેઓ કંઈક મોટું જીત્યા હતા? તેમની પાસે તમામ મોટા ખેલાડીઓ છે, પ્રતિભા છે. તેથી ભારતીય ટીમે આ સ્થિતિમાં કંઈક જીતવું જોઈતું હતું. ભારતે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સિરીઝ જીતી હતી. તે ખૂબ સારી વાત છે. પરંતુ આ સિવાય તેઓ છેલ્લા કેટલાક વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા. T20 વર્લ્ડ કપમાં પણ તે ક્યાંય જોવા મળ્યા ન હતા.'
છેલ્લા 10 વર્ષથી ભારતે એકપણ ICC ટ્રોફી જીતી નથી
વોને વધુમાં કહ્યું, 'ભારત એક સારી ટીમ છે. તેમની પાસે ખુબ સારા અને ટેલેન્ટેડ ખેલાડીઓ છે. પરંતુ આટલી ક્ષમતા અને સંસાધનો હોવા છતાં, મને નથી લાગતું કે તેઓ તે મુજબ જીત નોંધાવે છે.' જણાવી દઈએ કે છેલ્લા 10 વર્ષોથી ભારતીય ટીમ એકપણ ICC ટ્રોફી જીતી શકી નથી. આ 10 વર્ષોમાં ભારતીય ટીમનો સૌથી મોટી સિદ્ધિ ઓસ્ટ્રેલિયામાં 2 વખત ટેસ્ટ સિરીઝ જીતવી હતી.