વિરાટ, રોહિત અને જાડેજા પર અંગ્રેજ ક્રિકેટરે કર્યો કટાક્ષ: એમણે વધારે ટ્રોફીઓ જીતવી જોઈતી હતી
Image : IANS (File pic) |
Michael Vaughan controversial statement: ગત મહિને દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને ભારતે T20 વિશ્વકપ જીતી લીધો. આ યાદગાર જીત સાથે જ ભારતીય ક્રિકેટના ત્રણ આધારભૂત બેટ્સમેન એવા રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટના T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એમની નિવૃતિ બાબતમાં બોલતાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન કટાક્ષયુક્ત નિવેદન આપ્યું છે.
શું કહ્યું માઇકલ વોને?
એક પોડકાસ્ટને આપેલા ઇન્ટર્વ્યુમાં માઇકલ વોને કહ્યું કે, ‘T20 વિશ્વકપ જીત્યા બાદ નિવૃત્તિ લેવી એ સારી બાબત છે, પણ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ એમના કરિયરમાં વધારે ટ્રોફીઓ જીતવી જોઈતી હતી. આ ત્રિપુટી લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો રહેલી છે, છતાં ગત એક દાયકામાં એ ભારત માટે માત્ર આ એક ICC ટ્રોફી જ જીતવામાં સફળ રહી છે. રોહિતને તો બીજું T20 ટાઇટલ જીતવામાં સત્તર વર્ષ લાગ્યા.’
વોનના વિવાદાસ્પદ નિવેદનના કેવા પ્રત્યાઘાત આવી શકે?
વોનના કહેવાનો મોઘમ અર્થ એવો કરી શકાય કે, ભારતના એ ત્રણે સ્ટાર ક્રિકેટરોએ એમની કરિયરમાં એવી કંઈ જોરદાર સિદ્ધિઓ નથી મેળવી. T20 માં 4231 રન બનાવનાર રોહિત અને 4188 રન બનાવનાર કોહલી તથા આધારભૂત ઓલરાઉન્ડર જાડેજા બાબતે વોનનું આવું નિવેદન ભારતીય ક્રિકેટના ચાહકોને માફક ન આવે એવું બની શકે. કોહલી, શર્મા અને જાડેજાના કરોડો ફેન્સ વોનના શબ્દોની ઝાટકણી કાઢે એવી શક્યતા છે. અને એમ થાય એ સ્વાભાવિક પણ છે.
ઇંગ્લેન્ડ માટે વર્ષો સુધી ક્રિકેટ રમી ચૂકેલા અને કેપ્ટન પણ રહી ચૂકેલા માઇકલ વોને પોતે કેપ્ટન કે ટીમના સભ્ય તરીકે વિશ્વકપ જેવી મહત્ત્વની લેખાય એવી એકપણ ક્રિકેટ ટ્રોફી ન જીતી હોય ત્યારે એનું ભારતના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ વિરુદ્ધનું આવું નિવેદન બાલિશ અને ઈર્ષાપ્રેરિત લાગે એમ છે.
વોનની લીપાપોતી
અઘરા વેણ ઉચ્ચાર્યા બાદ વોને લીપાપોતી કરતો હોય એમ કહ્યું કે, ‘ભારતીય ક્રિકેટરોમાં પુષ્કળ પ્રતિભા છે. નવોદિતો માટે જગ્યા કરીને ત્રણેયએ યોગ્ય સમયે નિવૃત્તિ લીધી છે. હવે તેઓ વન ડે અને ટેસ્ટ ક્રિકેટ તથા IPL પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, T20 વિશ્વકપ જીત્યા બાદ ફાઇનલમાં 76 રન ફટકારવા બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ સ્વીકારતી વખતે જ કોહલીએ T20Iમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. એના એકાદ કલાક પછી રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં T20 ને અલવિદા કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ટ્રોફી જીત્યાના એક દિવસ પછી જાડેજાએ પણ T20 માંથી નિવૃત્તિ લીધી હતી.
ભારતીય ક્રિકેટરો પર થતી ધનવર્ષાને કારણે હશે કે કેમ પણ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા ભારતના કટ્ટર સ્પર્ધક દેશના ક્રિકેટરો અવારનવાર ભારતીય ક્રિકેટરો વિશે અણછાજતું બોલતા રહે છે. માઇકલ વોનના આ નિવેદન બાબતે પણ એના માથે માછલાં ધોવાય તો નવાઈ નહીં.