વિરાટ કોહલીનો રેકોર્ડ તોડનાર અભિષેક શર્મા અંગે માઈકલ વોનની મોટી ભવિષ્યવાણી

Updated: May 20th, 2024


Google NewsGoogle News
વિરાટ કોહલીનો રેકોર્ડ તોડનાર અભિષેક શર્મા અંગે માઈકલ વોનની મોટી ભવિષ્યવાણી 1 - image


Image Source: Twitter

IPL 2024: IPL 2024માં વિરાટ કોહલીનો એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડનાર સનરાઈઝર્સ હૈદરાબાદના યુવા સલામી બેટ્સમેન અભિષેક શર્મા અંગે દિગ્ગજ ખેલાડી માઈકલ વોને મોટી ભવિષ્યવાણી કરી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું કહેવું છે કે યશસ્વી જયસ્વાલની જેમ અભિષેક શર્મા પણ ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી શકે છે. આ સિઝનમાં અભિષેક શર્માએ 13 મેચમાં 209.42ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી કુલ 467 રન બનાવ્યા છે. આ સાથે તે IPLની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી પણ બની ગયો છે.

માઈકલ વોને કહ્યું કે, જો તમે યશસ્વી જયસ્વાલની સ્ટોરી જોશો તો જાણશો કે તેણે IPL અને ટીમ ઈન્ડિયામાં ખૂબ ઝડપથી છલાંગ લગાવી છે. અચાનક જ તેની ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી થઈ. કદાચ આ કહેવું વહેલું છે પરંતુ અભિષેક શર્મા બિલ્કુલ આવું જ કરી શકે છે. બસ તે આંતરરાષ્ટ્રીય મંચ પર પહોંચશે અને પછી એવું લાગશે કે તે 15 વર્ષથી રમી રહ્યો છે. મને લાગે છે કે અભિષેક શર્મા તેનાથી દૂર નથી.

યુવરાજ સિંહ અને બ્રાયન લારા સાથે કરી તુલના

વોને અભિષેક શર્માની તુલના યુવરાજ સિંહ અને બ્રાયન લારા સાથે કરી છે અને કહ્યું કે તે ત્રણેય ફોર્મેટમાં સરળતાથી રમી શકે છે. તેની ટેક્નિક અદ્ભુત છે. અભિષેકના શાનદાર પ્રદર્શનના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. 21 મેના રોજ SRH પ્રથમ ક્વોલિફાયરમાં KKR સામે ટકરાશે.

અભિષેક 40 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો

અભિષેક શર્મા IPLના ઈતિહાસમાં એક સિઝનમાં 40 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. 23 વર્ષીય યુવા ખેલાડી અભિષેકે 41 છગ્ગા સાથે એક સિઝનમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ IPL 2016માં 38 છગ્ગા ફટકાર્યા હતા. 



Google NewsGoogle News