ઓસ્ટ્રેલિયન ઓપનરની પણ હાલત રોહિત શર્મા જેવી જ, પૂર્વ કેપ્ટને કહ્યું - નિવૃત્તિ લઈ લો ભાઈ!
Michael Clarke on Usman Khawaja : ઓસ્ટ્રેલિયાન ઓપનર ઉસ્માન ખ્વાજાની હાલત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા જેવી જ છે. વર્ષ 2024માં ખ્વાજાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તેને પણ હવે રોહિત શર્માની જેમ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજા માટે 2023નું વર્ષ શાનદાર રહ્યું, જ્યાં તેણે 13 ટેસ્ટમાં 52.60ની સરેરાશથી 1210 રન બનાવ્યા. જો કે, 2024માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેણે વર્ષ 2024માં 9 ટેસ્ટ રમી અને 25.93ની સરેરાશથી માત્ર 415 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે 38 વર્ષીય ઉસ્માન ખ્વાજાને હવે ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહેવાના સૂચનો મળી રહ્યા છે.
નિવૃત્તિ લેવા માટે ખ્વાજા માટે આ શ્રેષ્ટ સમય
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કનું માનવું છે કે, ઉસ્માન ખ્વાજાએ ભારત સામેની આગામી સિડની ટેસ્ટ પછી નિવૃત્તિ લઇ લેવી જોઈએ. ક્લાર્કે કહ્યું કે ખ્વાજા માટે સિડનીમાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવી ફાયદાકારક રહેશે કારણ કે તે તેનું હોમ ગ્રાઉન્ડ છે. ખ્વાજા આ રીતે ભવ્ય વિદાય લઈ શકે છે.
શું કહ્યું માઈકલ કલાર્કે?
ઉસ્માન ખ્વાજા વિશે વાત કરતા માઈકલ કલાર્કે જણાવ્યું હતું કે, 'આ ઉસ્માન ખ્વાજાની હોમ ટેસ્ટ મેચ (સિડની) હશે. તે એક શાનદાર ખેલાડી હતો. હાલ તેની ઉંમર 38 છે. મને લાગે છે કે ઉજી(ઉસ્માન ખ્વાજા) માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે અને હવે સિડની ખાતેની મેચ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હોવી જોઈએ. હું જાણું છું કે તે રમવાનું ચાલુ રાખવા માંગે છે. તેનું ફોર્મ સીરિઝમાં હોવું જોઈએ તેવું હાલ નથી. હું જાણું છું કે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે અને પછી એશિઝ સીરિઝ રમવાની છે. આ દરમિયાન ઘણું ક્રિકેટ રમવાનું છે, પરંતુ મને લાગે છે કે નવા ખેલાડી માટે ટીમમાં આવવાનો આ યોગ્ય સમય છે. આ ખેલાડીઓને એશિઝ સીરિઝ શરૂ થાય તે પહેલા તેને કેટલીક ટેસ્ટ મેચનો અનુભવ પણ મળશે.
ઉસ્માન ખ્વાજાની ક્રિકેટ કારકિર્દી
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં જન્મેલા ઉસ્માન ખ્વાજાએ વર્ષ 2011માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 12 વર્ષની કારકિર્દીમાં ખ્વાજાએ 77 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 15 સદી અને 27 અડધી સદીની મદદથી 5592 રન બનાવ્યા હતા. ઉપરાંત તેણે 40 વનડેમાં 1554 રન બનાવ્યા છે. જયારે તેણે 9 T20I મેચમાં 241 રન બનાવ્યા છે. જો ઉસ્માન ખ્વાજા સિડની ટેસ્ટ બાદ નિવૃત્તિ લેશે તો તેના સ્થાને બે નામો રેસમાં સૌથી આગળ છે. ખ્વાજાના સ્થાને નાથન મેકસ્વિની અને સેમ કોન્સ્ટાસને યોગ્ય ખેલાડી માનવામાં આવી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી શરૂ થશે.