રોહિત શર્મા પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક, IPLમાં આવું કોઈ નથી કરી શક્યું
Rohit Sharma: IPLમાં જ્યારે પણ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આમને-સામને થાય છે ત્યારે રોમાંચ ચરમસીમાએ પહોંચી જાય છે. આ મેચમાં ઘણાં મહાન બેટ્સમેનોએ પોતાની છાપ છોડી છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમણે MI vs KKR મેચોમાં રનોનો ખડકલો કરીને ઇતિહાસ રચ્યો છે. આવો જ એક બેટ્સમેન છે મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, જેનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે શાનદાર રેકોર્ડ છે. રોહિતે IPLમાં KKR સામે 900થી વધુ રન બનાવ્યા છે. રોહિત IPL 2025ની પહેલી બે મેચમાં MI માટે કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાની ત્રીજી મેચ રમશે, ત્યારે તેની પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સારી તક રહેશે.
1000 ક્લબની નજીક રોહિત શર્મા
વાસ્તવમાં રોહિત શર્મા MI vs KKR મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભલે ઈડન ગાર્ડન્સ હોય કે વાનખેડે રોહિતે કોલકાતા સામેની આઈપીએલ મેચોમાં ઘણી વખત શાનદાર બેટિંગ કરી છે. IPLમાં MI vs KKR મેચમાં તેના બેટમાંથી 954 રન આવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 128.05 રહ્યો છે. MI vs KKR મેચમાં ઇતિહાસ રચવાની નજીક રહેલ રોહિત શર્મા આજની મેચમાં 46 રન બનાવતાની સાથે જ 1000 રન પૂર્ણ કરશે અને આવું કરનારો પ્રથમ બેટ્સમેન બની જશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે હિટમેન આ ઐતિહાસિક રેકોર્ડ રચવામાં સફળ થાય છે કે નહીં.
MI અને KKRની વચ્ચે IPL મેચોમાં સૌથી વધુ રન
954- રોહિત શર્મા (128.05 SR)
590- સૂર્યકુમાર યાદવ (149.74 SR)
362- વેંકટેશ અય્યર (165.29 SR)
349- ગૌતમ ગંભીર (115.94 SR)
327- મનીષ પાંડે (135.12 SR)
MIને પ્રથમ જીતની તલાશ
IPL 2025નો રોહિત શર્મા મુંબઈની પ્રથમ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી નહોતો શક્યો અને બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 8 રન બનાવીને આઉટ થયો હતો. હવે MI ચાહકો ત્રીજી મેચમાં રોહિત પાસેથી વધુ સારી બેટિંગની અપેક્ષા રાખશે, જેથી મુંબઈની ટીમ ઘરઆંગણે સિઝનની પહેલી જીતનો સ્વાદ ચાખી શકે. IPL 2025 પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેનું જીતનું ખાતું પણ નથી ખુલ્યું. આ જ કારણ છે કે ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.