Get The App

મેલબર્નની હાર ટીમ ઈન્ડિયાના બેટર્સને ભારે પડી, ICC ટોપ-10 ટેસ્ટ રેન્કિંગમાં માત્ર એકને સ્થાન

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
મેલબર્નની હાર ટીમ ઈન્ડિયાના બેટર્સને ભારે પડી, ICC ટોપ-10 ટેસ્ટ રેન્કિંગમાં માત્ર એકને સ્થાન 1 - image

Yashasvi Jaiswal : ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં 2 મેચ હાર્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓને તાજેતરમાં ICC દ્વારા જાહેર કરાયેલી બેટર રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. આ રેન્કિંગમાં ટોપ-10 બેટરોની યાદીમાં એક સિવાય બીજા કોઈપણ ભારતીય બેટરને સ્થાન મળ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના બેટરોનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જો કે, યશસ્વી જયસ્વાલે આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી બધાને પ્રભાવિત કર્યા હતા. ટોપ-10 બેટરોની યાદીમાં ભારત તરફથી માત્ર યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.

જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે કરી જોરદાર બેટિંગ

હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધીમાં યશસ્વી જયસ્વાલે ભારત માટે શાનદાર બેટિંગ કરી છે. જયસ્વાલ આ સીરિઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો છે. જયસ્વાલે પર્થ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. આ સિવાય જયસ્વાલે મેલબોર્ન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. હવે ICC બેટરોની તાજેતરની રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ 854 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયો છે.

ટોપ-10 યાદીમાં જયસ્વાલ સિવાય બીજું કોઈ નહી

જયસ્વાલ સિવાય ટોપ-10 બેટરોની યાદીમાં કોઈપણ ભારતીય ખેલાડી સામેલ નથી. આ સીરિઝમાં ખરાબ પ્રદર્શનને કારણે વિકેટકીપર અને બેટર રિષભ પંતને પણ રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. પંત હવે ટોપ-10 બેટરોની યાદીમાંથી બહાર થઈ ગયો છે. આ યાદીમાં પંત 701 રેટિંગ પોઈન્ટ સાથે 12મા સ્થાને યથાવત છે. પંત સિવાય શુભમન ગિલ 645 રેટિંગ પોઈન્ટ સાથે 20માં સ્થાને યથાવત છે.

આ પણ વાંચો : નવા વર્ષના પહેલા દિવસે જ બુમરાહે ઈતિહાસ રચ્યો, ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 બન્યો

રોહિત 40માં સ્થાને 

જો રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાત કરીએ તો ICC બેટર રેન્કિંગમાં આ બંને સિનિયર ખેલાડીઓની હાલત ખૂબ જ ખરાબ છે. હાલમાં વિરાટ કોહલી 633 રેટિંગ પોઈન્ટ સાથે 23મા સ્થાને છે. તો બીજી તરફ રોહિત શર્મા 560 રેટિંગ પોઈન્ટ સાથે 40માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.મેલબર્નની હાર ટીમ ઈન્ડિયાના બેટર્સને ભારે પડી, ICC ટોપ-10 ટેસ્ટ રેન્કિંગમાં માત્ર એકને સ્થાન 2 - image



Google NewsGoogle News