Get The App

મેલબોર્નની વિકેટ પિચ મામલે બબાલ! ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ માટે ટર્નિંગ ટ્રેક અપાયાનો દાવો

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
મેલબોર્નની વિકેટ પિચ મામલે બબાલ! ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ માટે ટર્નિંગ ટ્રેક અપાયાનો દાવો 1 - image

IND Vs AUS : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે આ ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે બંને ટીમો વચ્ચે સીરિઝની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 26 ડિસેમ્બરથી રમાશે. ભારતીય સમય અનુસાર આ ડે ટેસ્ટ મેચ સવારે 5 વાગ્યે શરૂ થશે.

મેલબોર્ન ટેસ્ટ પહેલા અનેક વિવાદો 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સીરિઝની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 26 ડિસેમ્બરથી રમાશે. પરંતુ મેલબોર્ન ટેસ્ટ પહેલા કેટલાક વિવાદો સામે આવી રહ્યા છે. અગાઉ રવીન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે નવો હોબાળો પ્રેક્ટિસ પીચને લઈને છે. હકીકતમાં ભારતીય ટીમને શનિવાર અને રવિવારના રોજ પ્રેક્ટિસ માટે જે પીચો મળી હતી, તે પીચોનો અગાઉથી કોઈએ ઉપયોગમાં લઇ લીધી હતી અને એક રીતે તે એક ટર્નિંગ ટ્રેક હતી. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને પ્રેક્ટિસ માટે નવી પીચો આપવામાં આવી હતી.

પ્રેક્ટિસ પીચો પર ભારતીય ઝડપી બોલરોને પડી મુશ્કેલી 

ભારતીય ટીમને જે પ્રેક્ટિસ પીચો મળી તેમાં ભારતીય ઝડપી બોલરો જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપને બહુ ઓછી મદદ મળી હતી. જ્યારે બોલરોએ શોર્ટ બોલ ફેંકવાની પ્રેક્ટિસ કરી ત્યારે બોલ માત્ર કમર સુધી જ પહોંચી રહી હતી. એટલું જ નહીં થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ દયાનંદ ગરાનીનો એક બોલ નીચે રહી ગયો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માના ઘૂંટણમાં વાગી ગયો હતો. સારી વાત એ હતી કે ઈજા ગંભીર ન હતી અને રોહિતે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી.

પ્રેક્ટિસ પિચને લઈને સવાલો ઉઠાવ્યા આકાશ દીપે

આકાશ દીપે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માની ઈજા અંગે અપડેટ આપી હતી. તે દરમિયાન તેણે પ્રેક્ટિસ પિચને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આકાશ દીપે કહ્યું હતું કે, 'આ પ્રેક્ટિસ પિચો કદાચ વ્હાઈટ બોલની મેચની તૈયારી માટે બનાવવામાં આવી છે. તેથી બોલ થોડો નીચો રહી રહ્યો હતો. નેટમાં અમારે સતત બોલનો સામનો કરવો પડે છે. રોહિત શર્મા વિશે ચિંતા કરવાની જરૂર નથી.'

ક્યુરેટરે આપી સ્પષ્ટતા 

બીજી તરફ જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયન ટીમ સોમવારે પ્રેક્ટિસ માટે આવી ત્યારે તેને પ્રેક્ટિસ માટે નવી પિચો આપવામાં આવી હતી. આ પીચ પરથી કાંગારૂ ઝડપી બોલરોને પેસ અને બાઉન્સ મળી રહ્યા હતા. આ સ્થિતિમાં હવે યજમાન ઓસ્ટ્રેલિયાના વલણ પર સવાલો ઉઠી રહ્યા છે. હવે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યુરેટર મેટ પેજે આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે.

શું કહ્યું ક્યુરેટરે? 

મેટ પેજે કહ્યું હતું કે, 'ઓસ્ટ્રેલિયન ક્યુરેટર્સ ટેસ્ટ મેચની શરૂઆતના ત્રણ દિવસ પહેલા નવી પ્રેક્ટિસ પિચો પૂરી પાડે છે. હવે મેચમાં ત્રણ દિવસથી ઓછો સમય બાકી હોવાથી ઓસ્ટ્રેલિયાને પ્રેક્ટિસ માટે નવી પિચ મળી છે. જો ભારતીય ટીમ આજે (23 ડિસેમ્બર) પ્રેક્ટિસ કરી રહી હોત, તો તેને પણ નવી પિચો પણ મળી હોત. અમને ભારતીય ટીમનો સમયપત્રક ઘણાં સમય પહેલા મળી ગયો હતો. પરંતુ અમે સામાન્ય રીતે મેચના ત્રણ દિવસ પહેલા મેચને અનુરૂપ પીચ આપીએ છીએ. આ તમામ ટીમો માટે લાગુ પડે છે.'

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયામાં મોટા ફેરબદલ: મેલબર્ન ટેસ્ટ પહેલા અચાનક જ સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી

નવી પીચ પર પ્રેક્ટિસ કરવા માટે કાંગારું ટીમે રાહ જોઈ  

એક અહેવાલ અનુસાર, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ માટે પીચોના બે સેટ ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયન ટીમે નવી પીચ પર પ્રેક્ટિસ શરૂ કરવા માટે સોમવાર સુધી રાહ જોઈ હતી. જો ટીમોને અગાઉથી જ નવી પીચો પૂરી પાડવામાં આવે તો ટેસ્ટ મેચ નજીક આવતાં તે બગડી જવાની શક્યતા રહે છે. આને રોકવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ સામાન્ય રીતે રમતની શરૂઆતના ત્રણ દિવસ પહેલા નવી ટ્રેનિંગ પીચો પૂરી પાડે છે. હવે જોવાનું એ રહે છે કે 24મી ડિસેમ્બરે ભારતીય ટીમ ફરી પ્રેક્ટિસ માટે ઉતરશે ત્યારે તેને કેવા પ્રકારની પીચ મળે છે. ભારતીય ટીમે સતત બે દિવસની પ્રેક્ટિસ બાદ સોમવારે (23 ડિસેમ્બર) વિરામ લીધો હતો અને પ્રેક્ટિસ માટે આવી ન હતી.મેલબોર્નની વિકેટ પિચ મામલે બબાલ! ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ માટે ટર્નિંગ ટ્રેક અપાયાનો દાવો 2 - image



Google NewsGoogle News