'કદાચ ઈંગ્લેન્ડવાળાએ પંતને રમતા નથી જોયો...', બેન ડકેટના નિવેદન પર રોહિત શર્માનો પલટવાર
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 06 માર્ચ 2024 બુધવાર
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સિરીઝની અંતિમ મેચ કાલથી ધર્મશાળામાં રમાશે. ટીમ ઈન્ડિયા પહેલેથી જ સિરીઝમાં 3-1 સાથે સિરીઝ પર કબ્જો જમાવી ચૂકી છે અને હવે ટીમ ઈન્ડિયા અંતિમ ટેસ્ટ મેચ જીતીને ઈંગ્લેન્ડને આકરો ઝટકો આપવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં રોહિતની ટીમે શ્રેષ્ઠ નેતૃત્વ આપ્યુ છે. અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડી અશ્વિન અને ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. અંતિમ ટેસ્ટ પહેલા રોહિત શર્માએ અશ્વિનની 100મી ટેસ્ટ પર તેમને શુભકામનાઓ આપી અને આ સાથે જ તેમણે ઈંગ્લેન્ડના ખેલાડી બેન ડકેટના આપવામાં આવેલા નિવેદન પર આકરો પલટવાર કર્યો છે.
રોહિત શર્માએ નિવેદન પર કર્યો પલટવાર
રોહિત શર્માએ અંતિમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેન ડકેટના તે નિવેદન પર પલટવાર કર્યો જેમાં ડકેટે ભારતીય ટીમની જીતને ઈંગ્લેન્ડના બેઝબોલ એપ્રોચનો કમાલ ગણાવ્યો હતો અને કહ્યુ હતુ કે યશસ્વી જયસ્વાલે પણ બેઝબોલ અંદાજમાં બેટિંગ કરી હતી. ડકેટના આ નિવેદનની ખૂબ ટીકા થઈ હતી અને હવે રોહિતે તેની પર જવાબ આપતા કહ્યુ કે અમારી ટીમમાં ઋષભ પંત નામનો યુવક હતો, કદાચ બેન ડકેટે તેને રમતા જોયો નથી.