અશ્વિને કદાચ સતત અપમાનના કારણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પિતાનો ચોંકાવનારો દાવો
Ravichandran Ashwin's father's shocking claim : ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટ મેચ સમાપ્ત થતાંની સાથે જ આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે અચાનક સીરિઝ વચ્ચે લીધેલી નિવૃત્તિ અંગે અનેક અટકળો ચાલી રહી છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશ્વિનના પિતા રવિચંદ્રને દાવો કર્યો છે કે અશ્વિનને ભારતીય ટીમમાં અપમાનિત કરવામાં આવ્યો હતો. તેથી કરીને તેણે અચાનક નિવૃત્તિ લઈ લીધી છે.
શું કહ્યું અશ્વિનના પિતાએ?
અશ્વિનના પિતાએ જણાવ્યું હતું કે, 'ભારતીય ટીમમાં મારા પુત્રનું સતત અપમાન થઈ રહ્યું હતું. જેના કારણે તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે જ નિવૃત્તિ લઈ લીધી હતી. હું પણ મારા પુત્રના અચાનક નિવૃત્તિના નિર્ણયથી ચોંકી ગયો હતો.'
અશ્વિનનું ભારતીય ટીમમાં અપમાન
વધુમાં અશ્વિનના પિતાએ જણાવ્યું હતું કે, 'મને પણ છેલ્લી ઘડીએ નિવૃત્તિ વિશે ખબર પડી હતી. મને ખબર નથી કે તેના મનમાં શું ચાલી રહ્યું હતું. તેણે જે રીતે નિવૃત્તિ લીધી છે તેનાથી હું ખુશ છું અને ખુશ નથી પણ, કારણ કે તેણે હજુ પણ રમવાનું ચાલુ રાખવું જોઈતું હતું. નિવૃત્તિ લેવી એ અશ્વિનનો નિર્ણય હતો અને હું તેમાં દખલ કરીશ નહીં. પરંતુ તેણે જે રીતે નિવૃત્તિ લીધી છે તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. માત્ર અશ્વિન જ જાણે છે કે નિવૃત્તિ પાછળનું શું કારણ છે? શક્ય છે કે અપમાન તેનું કારણ હોઈ શકે.'
અચાનક નિવૃત્તિએ અમને ઝટકો આપ્યો
ભારતીય ટીમમાં અશ્વિનના અપમાનને લઈને તેના પિતાએ કહ્યું હતું કે, 'અશ્વિનની નિવૃત્તિ અમારા માટે ભાવનાત્મક ક્ષણ છે. કારણ કે તે 14-15 વર્ષ સુધી રમ્યો હતો અને તેની અચાનક નિવૃત્તિએ અમને ઝટકો આપ્યો હતો. અમને લાગે છે કે તેનું સતત અપમાન થઈ રહ્યું હતું. તે ક્યાં સુધી પોતાનું અપમાન સહન કરી શકે તેથી તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હશે.'
આ પણ વાંચો : આઠ એવા ક્રિકેટર્સ જેમને ન મળી ફેરવેલ મેચ: લિસ્ટમાં અશ્વિનની સાથે ધવન-ધોનીનું પણ નામ
શું અશ્વિને ટીમમાં યોગ્ય સન્માન નથી મળ્યું?
હાલમાં ક્રિકેટ જગતમાં અશ્વિન ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર હતો. તે લાંબા સમયથી વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર રહ્યો હતો, તેમ છતાં તેને ભારતીય ટીમમાં તે સન્માન નથી મળ્યું જેનો તે હકદાર હતો. અશ્વિને બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ છેલ્લી ફાઇનલ મેચમાં તેને ટીમથી બહાર રખાયો હતો.
આ મુદ્દો પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસ્કરે પણ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જો તમે વિશ્વના નંબર 1 બેટરને પ્લેઇંગ ઈલેવનમાં રાખો છો તો દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર કેમ ટીમથી બહાર બેઠો છે? તેવી જ રીતે વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ અશ્વિનને પર્થ ટેસ્ટમાં તક આપવામાં આવી ન હતી. તે એડિલેડમાં રમ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટમાં તેને ફરીથી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.