ફરી ઈજાગ્રસ્ત થયો ટીમ ઈન્ડિયાનો આ ઝડપી બોલર, ટેસ્ટ ડેબ્યૂની શક્યતાઓને ઝટકો
Mayank Yadav Debut In Test : ભારતીય ક્રિકેટ ટીમનો ઉભરતો ઝડપી બોલર મયંક યાદવની ટેસ્ટ ડેબ્યૂ કરવાની શક્યતાઓને આંચકો લાગ્યો છે. એક અહેવાલ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર આ યુવા ઝડપી બોલરને આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવનાર છે. પરંતુ હવે ફરીથી તેની ઈજાના કારણે આ પ્લાન હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. અને તેના સાથી ઝડપી બોલર હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે IPL 2024માં ઈજાગ્રસ્ત થયા બાદ બાંગ્લાદેશ સામેની T20 સીરિઝમાં વાપસી કરનાર મયંક યાદવ ક્રિકેટના મેદાન પર ક્યારે જોવા મળશે.
તાજેતરમાં જ મયંક યાદવે બાંગ્લાદેશ સામેની T20I સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. હવે આ યુવા બોલરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. અને તે દક્ષિણ આફ્રિકા સામેની T20I સીરિઝ માટે ટીમનો ભાગ રહેશે નહીં કારણ કે મયંક યાદવ ફરીથી ઈજાગ્રસ્ત થઇ ગયો છે. અને તેથી તે પસંદગી માટે ઉપલબ્ધ નથી.
ઘણાં સમયથી મયંક યાદવ અનેક ઈજાઓના કારણે પરેશાન થઇ રહ્યો છે. તેને પેટમાં થયેલી ઈજાને કારણે તેણે IPL 2024 વચ્ચે જ છોડવો પડ્યો હતો. ત્યારબાદ ઠીક થઇ ગયા પછી NCA(National Cricket Academy) ખાતે બોલિંગ કરવા સમયે ફરીથી ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. તેથી નવી ઈજાને કારણે તે હવે દક્ષિણ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ભાગ લઇ શકશે નહી. અને તે કયારે સંપૂર્ણ ફીટ થશે અને કયારે તે વાપસી કરશે તેના વિષે કઈ પણ માહિતી નથી.
આ પણ વાંચો : રોહિતની ગેરહાજરથી લઈને શમીની ઈન્જરી સુધી... ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર 5 સવાલ ઊઠ્યાં
હકીકતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મયંક યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રિઝર્વ રાખવામાં આવશે. પરંતુ પછી ખબર પડી કે મોહમ્મદ શમી ઉપલબ્ધ નહી હોય શમીની જગ્યાને મયંકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હોત. પરંતુ હવે મયંક અને શમી બંને પસંદગી માટે ઉપલબ્ધ છે. જો કે BCCIએ શમીને સંપૂર્ણ રીતે ફીટ થવાનો સમય આપ્યો છે.