લખનઉના યુવા ફાસ્ટ બોલરે કરી ‘રેકોર્ડ’ તોડ બોલિંગ, પ્લેયર ઓફ ધ મેચ સાથે ખાસ ક્લબમાં પણ મળી એન્ટ્રી

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
લખનઉના યુવા ફાસ્ટ બોલરે કરી ‘રેકોર્ડ’ તોડ બોલિંગ, પ્લેયર ઓફ ધ મેચ સાથે ખાસ ક્લબમાં પણ મળી એન્ટ્રી 1 - image
Image:IANS

Mayank Yadav : લખનઉ સુપર જાયન્ટ્સના યુવા ફાસ્ટ બોલર મયંક યાદવે IPL 2024માં ફરી એકવાર પોતાની ઘાતક અને ઝડપી બોલિંગથી તબાહી મચાવી છે. મયંકની ઘાતક બોલિંગના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગઈકાલે લખનઉ 28 રનથી જીત્યું હતું. મયંકે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેને સતત બીજી મેચ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ સામે IPLમાં ડેબ્યુ કરતી વખતે 3 વિકેટ ઝડપી તે ચર્ચામાં આવ્યો હતો.

મયંકે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

મયંક યાદવ સતત બીજી મેચમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે વર્તમાન સિઝનમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે RCB સામે 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. મયંકે પંજાબ સામે 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. આ સાથે તેણે ઇતિહાસ રચી દીધો છે. તે IPLમાં સૌથી વધુ 155+ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર બોલર બની ગયો છે. તેણે આ કારનામું ત્રણ વખત કર્યું હતું. ઉમરાન મલિક અને એનરિચ નોર્ટજેએ બે-બે વખત આ ગતિએ બોલ ફેંક્યો છે.

ખાસ ક્લબમાં મળી એન્ટ્રી

મયંકે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તે IPLની પ્રથમ બે મેચમાં ત્રણ વિકેટ લેનાર બોલર્સની ખાસ ક્લબમાં સામેલ થઇ ગયો છે. આવું કરનાર તે છઠ્ઠો બોલર છે. આ યાદીમાં તેના પહેલા લસિથ મલિંગા, અમિત સિંહ, મયંક માર્કંડે, કે. કૂપર અને જોફ્રા આર્ચર જેવા બોલર સામેલ છે. જણાવી દઈએ કે મયંકે RCB સામે ગ્લેન મેક્સવેલ, કેમરન ગ્રીન અને રજત પાટીદારને આઉટ કર્યા હતા. 

મયંકે જણાવ્યો ફાસ્ટ બોલિંગનો રહસ્ય

મયંક RCB સામે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું, 'ખરેખર સારું લાગી રહ્યું છે. બે મેચમાં બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. હું વધુ ખુશ છું કે અમે બંને મેચ જીતી. મારું લક્ષ્ય દેશ માટે રમવાનું છે. મને લાગે છે કે આ માત્ર શરૂઆત છે. મેં કેમરન ગ્રીનની વિકેટનો સૌથી વધુ આનંદ લીધો. ફાસ્ટ બોલિંગ માટે ઘણી બાબતો મહત્વપૂર્ણ છે, જેમાં આહાર, ઊંઘ, તાલીમ સામેલ છે. હું મારા આહાર અને રિકવરીનું ધ્યાન રાખું છું અને આઈસ બાથ પણ લઉં છું.’

લખનઉના યુવા ફાસ્ટ બોલરે કરી ‘રેકોર્ડ’ તોડ બોલિંગ, પ્લેયર ઓફ ધ મેચ સાથે ખાસ ક્લબમાં પણ મળી એન્ટ્રી 2 - image


Google NewsGoogle News