Get The App

એવું તો શું પી ગયો ભારતીય ક્રિકેટર કે ફ્લાઈટમાં અચાનક લથડી તબીયત, થયો હોસ્પિટલ ભેગો

મયંક અગ્રવાલ રણજી ટ્રોફીની મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યો હતો

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
એવું તો શું પી ગયો ભારતીય ક્રિકેટર કે ફ્લાઈટમાં અચાનક લથડી તબીયત, થયો હોસ્પિટલ ભેગો 1 - image
image: Instagram

Mayank Agarwal Admitted To Agartala Hospital : ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની ગઈકાલે તબિયત અચાનક બગડી હતી. તેને અગરતલાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે રણજી ટ્રોફીની મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યો હતો. 32 વર્ષીય મયંક કર્ણાટક ટીમનો કેપ્ટન છે. ફ્લાઈટમાં ચઢ્યા બાદ તેની તબિયત લથડી હતી. હાલ તે ખતરાની બહાર છે. મયંકે ફ્લાઇટમાં પાણી સમજીને કંઈક બીજું પીધું, જેના પછી તેના મોંમાં અલ્સર થઈ ગયું હતું. તેણે ગળામાં બળતરાની ફરિયાદ પણ કરી હતી.

પાણી સમજીને કંઇક બીજું પી લીધું 

હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે મયંકને એરપોર્ટ પરથી અહીં લાવવામાં આવ્યો હતો. તે ગળામાં બળતરા અનુભવી રહ્યો હતો અને તેના હોઠ પર સોજો આવી રહ્યો હતો. તેને જોયા બાદ દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત સ્થિર છે. આ દરમિયાન પશ્ચિમ ત્રિપુરાના એસપી કિરણ કુમારે જણાવ્યું હતું કે, "જ્યારે મયંક અગ્રવાલ ફ્લાઈટમાં સવાર થયો, ત્યારે તેણે તેની સામે એક પાઉટ જોયો અને તે પાણી હોવાનું સમજીને પી ગયો હતો. તેના હોઠ પર સોજો આવી રહ્યો હતો અને મોંમાં અલ્સર થઈ ગયું હતું. તેની હાલત સ્થિર છે. તેના મેનેજરે ફરિયાદ કરી. અમે ફરિયાદ નોંધી રહ્યા છીએ અને મામલાની તપાસ કરીશું.”

ફ્લાઈટમાં બેસતા જ મયંકને ઉલ્ટી થઈ

ત્રિપુરા ક્રિકેટ એસોસિયેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ટીમ ફ્લાઈટમાં હતી અને અગ્રવાલ અસ્વસ્થતા અનુભવવા લાગ્યો હતો. ફ્લાઈટમાં બેસતા જ તેને ઉલ્ટી થઈ હતી. જ્યારે તેને દુખાવો થવા લાગ્યો ત્યારે તે પ્લેનમાંથી ઉતરી ગયો. મને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA) તરફથી શાહવીર તારાપોરનો ફોન આવ્યો અને અમે તરત જ અમારા બે પ્રતિનિધિઓને હોસ્પિટલમાં મોકલ્યા. હાલમાં તે ડોક્ટરના નિરીક્ષણ હેઠળ છે. અમને કહેવામાં આવ્યું છે કે ડોક્ટર કેટલાક ટેસ્ટ કરી રહ્યા છે.”

ત્રિપુરા સામે કર્ણાટકનો 29 રને વિજય

મયંકે હાલમાં જ અગરતલાના સ્ટેડિયમમાં ત્રિપુરા સામેની રણજી મેચમાં 51 અને 17 રન બનાવ્યા હતા. સોમવારે કર્ણાટકનો 29 રને વિજય થયો હતો. કર્ણાટક તેની આગામી મેચ 2 ફેબ્રુઆરીથી સુરતમાં રેલવે સામે રમવાની છે. આ મેચમાં મયંકને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. તે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2022માં રમી હતી.

એવું તો શું પી ગયો ભારતીય ક્રિકેટર કે ફ્લાઈટમાં અચાનક લથડી તબીયત, થયો હોસ્પિટલ ભેગો 2 - image


Google NewsGoogle News