ઓસ્ટ્રેલિયન દિગ્ગજે રાહુલ દ્રવિડનું નામ લઈ કરી મોટી ભૂલ, ગાવસ્કરે કરાવ્યું ભાન તો માફી માગી
Matthew Hayden : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ ચૂકી છે. ભારતીય ટીમે પર્થમાં પહેલી મેચ જીતી હતી જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી મેચ ઓસ્ટ્રેલીયન ટીમે જીત મેળવી હતી. જેથી હવે 5 ટેસ્ટ મેચની આ સીરિઝ 1-1 થી બરાબર થઇ ગઈ છે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં 14 ડિસેમ્બરથી શરુ થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી મેથ્યુ હેડને ભારતના સ્ટાર વિકેટકીપર અને બેટર કેએલ રાહુલના નામને લઈને મોટી ભૂલ કરી હતી. આ પછી તેણે કેએલને માફી પણ માંગી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
ગાવસ્કરે રોહિતને ઓપનીંગ કરવા માટેની વકાલત કરી
એડિલેડ ટેસ્ટમાં ભારતને મળેલી હાર બાદ ભૂતપૂવ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને પૂર્વ ઓસ્ટ્રેલીયન બેટર મૈથ્યુ હેડન ભારતને મળેલી હારને લઈને ચર્ચા કરી રહ્યા હતા. ગાવસ્કરે આગામી ટેસ્ટ મેચમાં રોહિતને ઓપનીંગ કરવા માટેની વકાલત કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે એડિલેડમાં રાહુલે ઓપનીંગ કરી હતી, અને તે સદંતર ફ્લોપ રહ્યો હતો. જયારે રોહિત 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અને તે પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. ગાવસ્કરે રોહિતને ઓપનીંગમાં અને રાહુલને મિડલ ઓર્ડરમાં ઉતરવાનું જણાવ્યું હતું. જો કે હેડન ગાવસ્કરની આ વાતથી સહમત થયો નહી. તેમણે રાહુલને ઓપનીંગ કરવાની સલાહ આપી હતી. પરંતુ અહિયાં તે રાહુલનું નામ લેવામાં ભૂલ કરી બેઠો હતો.
શું કહ્યું હતું હેડને?
અહીં તમને જણાવી દઈએ કે પહેલી ટેસ્ટ મેચમાં રોહિત રોહિત શર્મા પોતાના બાળકના જન્મને કારણે હાજર રહ્યો ન હતો. તેના સ્થાને કેએલ રાહુલે ઓપનિંગ કરતા સારી બેટિંગ કરી હતી. પછી રોહિત બીજી ટેસ્ટથી ટીમ સાથે જોડાયો હતો. પરંતુ તેમ છતાં રાહુલે જ ઓપનિંગ કર્યું હતું. હેડને રાહુલ વિશે કહ્યું કે, હું તેને માત્ર ઓપનિંગમાં જ જોવા માંગું છું. પરંતુ અહીં તેણે ભૂલથી રાહુલ દ્રવિડનું નામ લઈ લીધું. તેણે બ્ધુમાં કહ્યું,'હું આ સ્તરે ટીમમાં કોઈ ફેરફાર કરીશ નહીં. હું જાણું છું કે તમે ટોપ થ્રી પાસે વધુ સારું પરિણામ ઈચ્છો છો. પરંતુ મેં પર્થમાં જે જોયું તો, રાહુલ દ્રવિડ ત્યાં જ હતો.'
આ પણ વાંચો : તેંડુલકર નહીં આ ભારતીય દિગ્ગજ સામે બોલિંગ કરતાં ફફડી જતો હતો કાંગારૂઓનો સૌથી ઝડપી બોલર
હેડનની ભૂલ પર ગાવસ્કરે કરી મજાક
ત્યારબાદ સુનીલ ગાવસ્કરે તરત જ હેડનની ભૂલ પકડી લીધી. અને મજાકમાં તેણે કહ્યું, 'જો તે રાહુલ દ્રવિડ હોત તો મને તે ગમ્યું હોત, જેમ તમે કહ્યું, પરંતુ તે કેએલ રાહુલ છે.' આ પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ રાહુલને માફી માંગી હતી. તેણે કહ્યું, 'માફ કરજો... કેએલ રાહુલ. મને માફ કરજો. હું એ સમય વિશે વિચારી રહ્યો છું જ્યારે તેણે(રાહુલ દ્રવિડે) એડિલેડમાં વર્ચસ્વ જમાવ્યું હતું. અને તેણે(રાહુલ દ્રવિડે) 2003-04ની સીરિઝમાં અમને(ઓસ્ટ્રેલિયા) હરાવ્યા હતા. તે એક દુઃસ્વપ્ન હતું, જે હું હજી પણ જીવી રહ્યો છું.'