સ્ટાર બોક્સર મેરી કોમે નિવૃત્તિના અહેવાલ ફગાવ્યાં, 6 વખત રહી છે વર્લ્ડ ચેમ્પિયન

41 વર્ષીય મેરી કોમે કહ્યું હતું કે તેને હજુ પણ વિશેષ સ્તરે સ્પર્ધામાં ભાગ લેવાની ભૂખ છે

2012માં ઓલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકી છે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સ્ટાર બોક્સર મેરી કોમે નિવૃત્તિના અહેવાલ ફગાવ્યાં, 6 વખત રહી છે વર્લ્ડ ચેમ્પિયન 1 - image


Mary Kom Retirement News False : ભારતની સ્ટાર બોક્સર મેરી કોમે નિવૃત્તિના અહેવાલોને ફગાવતાં કહ્યું છે કે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેં નિવૃત્તિ જાહેર કરી દીધી છે પણ એવું નથી. મેં કોઈ નિવૃત્તિ લીધી નથી. મેરી કોમની આ સ્પષ્ટતા સાથે જ હવે તેમના બોક્સિંગ સંન્યાસ લઈ લીધાના અહેવાલો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મેરી કોમની નિવૃત્તિના અહેવાલોથી તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે તેમણે વધતી વયને કારણે સંન્યાસ લઈ લેવાનો નિર્ણય કર્યો છે. 

6 વખતની વર્લ્ડ ચેમ્પિયન 

મેરી કોમ 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2012માં ઓલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકી છે. તેમનું આખુ નામ માંગતે ચુંગનેઈજેંગ મેરી કોમ છે. તેમણે તેમના જીવનમાં ઘણી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિશ્વ મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું હતું. ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) ના નિયમો અનુસાર, 'પુરૂષ અને મહિલા બોક્સરોને 40 વર્ષની ઉંમર સુધી જ સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી છે.' જોકે એક ઈવેન્ટ દરમિયાન 41 વર્ષીય મેરી કોમે કહ્યું હતું કે તેને હજુ પણ વિશેષ સ્તરે સ્પર્ધામાં ભાગ લેવાની ભૂખ છે. 

છ વખત વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર

મેરી કોમ બોક્સિંગના ઈતિહાસમાં છ વખત વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર છે. તે પાંચ વખત એશિયન ચેમ્પિયન રહી ચૂકી છે. તેણે 2014 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે ભારતની પ્રથમ મહિલા બોક્સર છે.

મેરી કોમ પર ફિલ્મ પણ બની છે

મેરી કોમનો જન્મ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં થયો હતો. તેમનો જન્મ એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ તેણે વિશ્વ સ્તરે જે રેકોર્ડ બનાવ્યાં તે હંમેશા ભારતને ગૌરવ અપાવતા હતા. તેમના જીવન પર 2014માં એક ફિલ્મ બની હતી. જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતી.

સ્ટાર બોક્સર મેરી કોમે નિવૃત્તિના અહેવાલ ફગાવ્યાં, 6 વખત રહી છે વર્લ્ડ ચેમ્પિયન 2 - image


Google NewsGoogle News