ના હેડ ચાલ્યો, ના મેક્સવેલ! ઓમાન સામે ઓસ્ટ્રેલિયાને છૂટી ગયો પરસેવો, ફિક્કી પડી જીત
AUS vs OMAN Highlights: ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2024માં જીત સાથે શરૂઆત કરી દીધી છે. બ્રિજટાઉનના કિંગસ્ટન ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ઓમાનને 39 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરતા સંઘર્ષ કરી રહી હતી. 14 ઓવર પછી ટીમનો સ્કોર માત્ર 80 રન હતો. જો કે ત્યારબાદ માર્કસ સ્ટોઈનિસની વિસ્ફોટક બેટિંગ સ્કોર 164 રન સુધી લઈ ગઈ હતી. જવાબમાં ઓમાનની ટીમ 125 રન જ બનાવી શકી હતી. ભલે ટીમ હારી ગઈ પરંતુ એક સમયે ઓમાન સામે ઓસ્ટ્રેલિયાને પરસેવો છૂટી ગયો હતો.
ઓમાને ફિલ્ડિંગમાં કરી ભૂલ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યા બાદ ફિલ્ડીંગ પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા. ટ્રેવિસ હેડે 12 રન બનાવ્યા હતા જ્યારે મિચેલ માર્શ 21 બોલમાં 14 રન બનાવી શક્યો હતો. સતત બે બોલ પર માર્શ અને મેક્સવેલ આઉટ થયા હતા. IPLમાં નિષ્ફળ રહેલો મેક્સવેલ અહીં પણ ગોલ્ડન ડક બન્યો હતો. 14 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 80 રન હતો. પરંતુ 15મી ઓવરમાં અયાન ખાને સ્ટોઈનિસને જીવનદાન આપ્યું હતું. અને આ જ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. તેણે એક જ ઓવરમાં 4 સિક્સર ફટકાર્યા હતા.
14 બોલમાં 9 રન બનાવીને રમી રહેલા સ્ટોઈનિસે આગામી 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. જોકે, ડેવિડ વોર્નરે અડધી સદી ફટકારવા માટે 46 બોલ લીધા હતા. સ્ટોઈનિસ અને વોર્નર વચ્ચે 102 રનની ભાગીદારી થઈ હતી. તેના કારણે ઓસ્ટ્રેલિયા 164ના સ્કોર સુધી પહોંચી શકી હતી. સ્ટોઈનિસ 36 બોલમાં 67 રન બનાવીને અણનમ રહ્યો હતો. વોર્નરે 51 બોલમાં 56 રન બનાવ્યા હતા.
ટોપ ઓર્ડર ન ચાલ્યો
ઓમાનનો ટોપ ઓર્ડર આ મેચમાં ન ચાલ્યો. સ્ટાર્કે ત્રીજા જ બોલ પર ખાતું ખોલાવ્યા વિના પ્રતિક અઠાવલેને આઉટ કર્યો હતો. ઓમાને 13 ઓવર પછી 57 રનમાં 6 વિકેટ ગુમાવી દેતાં ઓસ્ટ્રેલિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, ત્યારબાદ અયાન ખાને લડાઈ કરી. તેણે 30 બોલમાં 36 રન અને મેહરાન ખાને 16 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે આટલું પૂરતું ન હતું અને ઓમાનની ટીમ 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. પ્લેયર ઓફ ધ મેચ માર્કસ સ્ટોઈનિસે ત્રણ વિકેટ પણ ઝડપી હતી. સ્ટાર્ક, એલિસ અને ઝમ્પાને 2-2 વિકેટ મળી હતી.