મનુ ભાકરે કોના માટે કહ્યું- ‘એ તો મારા ભાઈ જેવા છે, બહુ સારા સંબંધ છે, બાળપણથી ઓળખું છું’
Manu Bhaker: પેરિસ ઓલિમ્પિકમાં ડબલ બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઇતિહાસ રચનાર શૂટર મનુ ભાકર અત્યારે દેશભરમાં છવાયેલી છે. મનુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ એથ્લિટ બની છે. પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં તે હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ સાથે ભારત માટે ધ્વજ ધારક હતી. મનુએ તેને જિંદગીનો યાદગાર અનુભવ ગણાવ્યો હતો.
મનુએ પીટીઆઈને કહ્યું, "અમે બધા મેડલ જીતવા માટે ખૂબ મહેનત કરીએ છીએ." જો ભવિષ્યમાં હું એક જ ઓલિમ્પિકમાં બેથી વધુ મેડલ જીતી શકું તો તે સૌભાગ્યની વાત કહેવાશે. મારો ઇરાદો હજુ વધારે મહેનત કરીને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાનો છે.
ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ સાથે સમાપન સમારોહમાં મનુ ભારતની ધ્વજ ધારક હતી. તેણે કહ્યું હતું કે, ‘એ તો જીવનનો યાદગાર અનુભવ હતો. હું આ માટે આભારી છું અને આ પળને કાયમ યાદ રાખીશ.’ આ સિવાય શ્રીજેશ અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘શ્રીજેશ ભૈયા સાથે મારે ખૂબ સારા સંબંધ છે. હું તેઓને બાળપણથી ઓળખું છું. તે ખૂબ જ મૈત્રીપૂર્ણ, મદદ કરનાર અને નમ્ર છે. તેમણે સમાપન સમારોહમાં પણ ધ્વજરોહક તરીકે મારા માટે કામ ખૂબ જ સરળ બનાવી દીધું હતું.’
પેરિસમાં બે મેડલ જીતનાર ભારતની પિસ્તોલ શૂટર મનુ ભાકરની નજર હવે આગામી ઓલિમ્પિકમાં હજુ વધારે મેડલ લાવવા પર છે. 22 વર્ષની મનુ આઝાદી બાદ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. તેણે સરબજોત સિંહ સાથે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ ડબલ્સ ટીમ ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 25 મીટર પિસ્તોલમાં બ્રોન્ઝ જીતવાથી પણ સાવ થોડા માર્જિનથી દૂર રહી ગઈ હતી.