ઓલિમ્પિકમાં 20 વર્ષ બાદ રચાયો ઇતિહાસ, ભારતીય શૂટર મનુ ભાકર પહોંચી ફાઈનલમાં
Manu Bhaker In Paris Olympics: પેરિસથી રમતજગતને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેણીએ ઇતિહાસ રચી દીધો છે. 20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી છે. અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શીરૂરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી.
મનુ ભાકરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 580-27x સ્કોર કર્યો હતો અને ત્રીજા સ્થાને રહી હતી. હવે આ ઇવેન્ટની ફાઈનલ રવિવારે બપોરે 3:30 વાગ્યે રમાશે અને મનુ ભારત માટે મેડલનું ખાતું ખોલાવી શકે છે. ફાઇનલમાં, આઠ શૂટર્સ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એ ત્રણ મેડલ માટે સ્પર્ધા કરશે.
મનુને છઠ્ઠી સિરીઝમાં 96 પોઈન્ટ (9, 10, 10, 10, 9, 10, 9, 10, 10, 9) મળ્યા હતા. એક સમયે તે બીજા ક્રમે પણ આવી ગઈ હતી. ત્રીજી સિરીઝમાં તેનો સ્કોર 98 (9, 10, 9, 10, 10, 10, 10, 10, 10, 10) હતો. મનુ આ ઇવેન્ટમાં ભારતને મેડલ અપાવી શકે છે.
રિધમ સાંગવાન બહાર
આ સિવાય ભારતની શુટર રિધમ સાંગવાન 15મું સ્થાન મેળવીને મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. સાંગવાને ઓવરઓલ ટેલીમાં 573-14x સ્કોર કર્યો હતો.
10 મીટર એર રાઇફલમાં મિક્સ્ડ ટીમ બહાર
ભારતની બે જોડી રમિતા જિંદાલ અને અર્જુન બબુતા તેમેજ ઇલાવેનિલ વલારિવન અને સંદીપ સિંઘની મિક્સ્ડ ટીમ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે.
અમદાવાદની ઈલાવેનિલ વલારિવન અને સંદીપ સિંહ 626.3 પોઈન્ટ સાથે 12મા સ્થાને રહ્યા હતા.
બીજી ભારતીય ટીમ રમિતા અને અર્જુને 30 શોટની શ્રેણીમાં કુલ 628.7 પોઈન્ટ સ્કોર કર્યો હતો.