ખેલ રત્ન ઍવૉર્ડ ન મળવા મામલે મનુ ભાકરે મૌન તોડ્યું, ભાવુક પોસ્ટ કરી કહ્યું- 'મને લાગે છે કે...'
Manu Bhaker emotional post : પેરિસ ઓલિમ્પિક્સમાં 2 મેડલ જીતનારી ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર હાલ ચર્ચામાં છે. 22 વર્ષીય મનુ ભાકરે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મનુ ભાકરને ખેલ રત્ન ઍવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે મનુ ભાકરના પિતાએ પણ નિવેદન આપ્યું હતું. હવે મનુ ભાકરે પોતે આગળ આવીને આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે.
મનુએ પોસ્ટમાં શું લખ્યું?
મનુ ભાકરે પોસ્ટમાં લખ્યું હતું કે, 'મારા ખેલ રત્ન ઍવૉર્ડના નોમિનેશનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેના પર હું કહેવા માંગુ છું કે, એક એથ્લીટ તરીકે મારું કામ દેશ માટે રમવું અને સારું પ્રદર્શન કરવાનું છે. ઍવૉર્ડ અથવા કોઈ સન્માન મને પ્રોત્સાહિત કરે છે, પરંતુ આ મારા લક્ષ્યો નથી. મને લાગે છે કે નોમિનેશન માટે મારાથી કંઈ ભૂલ થઈ હતી. જેને મેં સુધારી લીધી છે. મને ઍવૉર્ડ મળે કે ન મળે હું દેશ માટે બને તેટલા મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ. હું દરેકને વિનંતી કરું છું કે હવે આ મુદ્દા પર વાત ન કરશો.'
શું કહ્યું મનુ ભાકરના પિતાએ?
મનુના પિતાએ કહ્યું હતું કે, 'જો તમારે ઍવૉર્ડ માટે ભીખ માંગવી જ હોય તો એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતવાનો શું ફાયદો? એક સરકારી અધિકારી નિર્ણય લઈ રહ્યા છે અને સમિતિના સભ્યો મૌન છે અને પોતાનો અભિપ્રાય આપી રહ્યા નથી. મને સમજાતું નથી આ શું થઈ રહ્યું છે. અમે ઍવૉર્ડ માટે અરજી કરી હતી. પરંતુ સમિતિ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. શું તમે આ રીતે એથ્લીટને પ્રોત્સાહિત કરી રહ્યા છો? માતા-પિતા તેમના બાળકોને ભવિષ્યમાં રમવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે.'
એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી મનુ પહેલી ભારતીય ખેલાડી
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ જીતનાર મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી છે. તેણીએ 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં તેણે ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી 12 સભ્યોની પસંદગી સમિતિએ ખેલ રત્ન ઍવૉર્ડ માટે તેના નામની ભલામણ કરી ન હતી. જેને લઈને કારણે તેના પિતા નિરાશ છે.
આ ખેલાડી માટે સમિતિએ ભલામણ કરી
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ માટે ભારતના હોકીના સ્ટાર ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારના નામની ભલામણ કરવામાં આવી છે. હરમનપ્રીતની કૅપ્ટનશીપ હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક્સમાં સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.