VIDEO : દેશ માટે બે મેડલ જીતી લાવનાર મનુ ભાકરનું ભારતમાં ભવ્ય સ્વાગત, સેલ્ફી લેવા લોકોની પડાપડી
Manu Bhakar's Grand Welcome In India: પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારત માટે બે મેડલ જીતીને ભારત પરત ફરેલી મહિલા શૂટર મનુ ભાકરનું બુધવારે સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દિલ્લી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મનુ ભાકર અને તેના કોચ જસપાલ રાણાનું એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો મનુ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.
મનુ ભાકરના માતા-પિતા તેને લેવા એરપોર્ટ પર આવ્યા હતા. તેમના માતા-પિતાએ જણાવ્યું હતું કે, મનુએ બે મેડલ જીતીને જે સિદ્ધિ મેળવી છે તે કોઈપણ માતા-પિતા માટે ગર્વની વાત છે. બીજી તરફ મનુના કોચ જસપાલ રાણાના સ્વાગત માટે ઉત્તરાખંડના દિલ્હીમાં રહેતા અનેક લોકો એરપોર્ટ પર એકઠા થયા હતા. બધા હાજર લોકોએ કહ્યું હતું કે, જસપાલે દેશ અને ઉત્તરાખંડને ગૌરવ અપાવ્યું છે.
આ પણ વાંચો: વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાઈ થઈ: PM મોદીનું પ્રથમ રિએક્શન સામે આવ્યું
મનુ ભાકર સાથે ફોટો પાડવા માટે એરપોર્ટ પર ભીડ થઇ ગઈ હતી. લોકોની પડાપડીને જોઈને તેમને વીઆઈપી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ક્રિકેટ ખેલાડીઓ સિવાય બીજા બધા જનરલ ગેટ માંથી બહાર નીકળે છે. મનુનું એરપોર્ટ પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કોચ અને ટાપના પ્રતિનિધિ મોહિત ભાટિયાએ ફૂલોના પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. સોસાયટીના RWA પ્રમુખ કેપ્ટન સુરેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ ગુરુવારે મનુના સ્વાગત માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. મનુના માતા સુમેધા ભાકરે જણાવ્યું હતું કે, લોકોએ મનુને જે અપાર પ્રેમ આપ્યો છે તેનાથી હું ખુબ ખુશ છું.