મનુ ભાકર રચશે ઈતિહાસ...! બીજો ઓલિમ્પિક મેડલ જીતવાની આશા
Paris Olympics 2024: ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકસમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતેને ઈતિહાસ રચ્યો છે. ત્યારે હવે મનુ ભાકરે ફરી એકવાર ભારત માટે બ્રોન્ઝ મેડલની આશા જગાવી છે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું છે. બંનેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ લગાવ્યા અને કુલ 580 પોઈન્ટ મેળવીને આગામી મેડલ મેચમાં પ્રવેશ કર્યો હતો. હવે મનુ-સરબજોતની જોડી બ્રોન્ઝ મેડલ મેચ માટે દક્ષિણ કોરિયાના લી વો હો અને ઓહ યે જિન સામે રમશે. આ મેચ 30 જુલાઈએ બપોરે 1 વાગ્યે રમાશે.
આ સ્પર્ધામાં લી જિન 18 પરફેક્ટ શોટ્સ અને 579 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યો હતો. હવે તુર્કી અને સર્બિયા વચ્ચે ગોલ્ડ મેડલ મેળવવા માટે મૂકાબલો થશે. મનુએ રવિવારે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે ઓલિમ્પિકસમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની ગઈ હતી. તેણે 12 વર્ષ બાદ ઓલિમ્પિકસમાં શૂટિંગમાં ભારતને મેડલ અપાવ્યો હતો.
મનુ ભાકર બનાવી શકે છે ઓલિમ્પિકસમાં રેકોર્ડ
જો મનુ ભાકર 30 જુલાઈની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતશે તો તે એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની જશે. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી એક ઓલિમ્પિકસમાં બે મેડલ જીતી શક્યો નથી. સુશીલ કુમાર અને પીવી સિંધુએ બે-બે મેડલ જીત્યા હતા, પરંતુ આ મેડલ તેમણે બે અલગ-અલગ ઓલિમ્પિકસમાં જીત્યા હતા.